હડદડ ગામે થયેલા ઘર્ષણ મામલે આપના આગેવાનો સહિત 85 લોકો સામે ફરિયાદ

- 65 ઇસમોને હાલ ડીટેઇન કરવામાં આવ્યા
- એસઆરપી સહિત પોલીસ કાફલો તેનાત કરી દેવાયો, ગામમાં અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે
સમગ્ર અથડામણની માહિતી આપતા બોટાદ એસપી એ જણાવ્યું હતું કે, તાજેતરમાં માર્કેટીંગ યાર્ડ, હડદડ, બોટાદ ખાતે કપાસની ગુણવતા તથા ભાવ બાબતે થયેલ બોલાચાલી અંગેનો વિડીયો સોશિયલ મીડીયા મારફતે વાયરલ થયેલ જે અનુસંધાને ગુજરાત પ્રદેશ આમ આદમીપાર્ટીના આગેવાન રાજુભાઈ કરપડા દ્વારા સોશિયલ મીડીયાના માધ્યમથી માર્કેટીંગ યાર્ડ, હડદડ, બોટાદ ખાતે ગુજરાત પ્રદેશ આમ આદમીપાર્ટીના આગેવાન રાજુભાઈ કરપડા તથા આમ આદમી પાર્ટીના સ્થાનિક હોદ્દેદાર પરશોતમભાઇ રાઠોડ તથા પાર્ટીના અન્ય કાર્યકરો દ્વારા માર્કેટીંગ યાર્ડ, હડદડ, બોટાદ ખાતે તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ આવી માર્કેટીંગ યાર્ડ, હડદડ, બોટાદ ખાતે હરાજી દરમિયાન પોતાના કાર્યકરતાઓને એકત્રિત કરી સભા સંબોધીત કરી હતી. ત્યાર બાદ આમ આદમી પાર્ટીના હોદેદારો તથા આગેવાનો તથા કાર્યકરો જેમાં ઇસુદાન ગઢવી ગોપાલ ઇટાલીયા, રાજુભાઈ કરપડા, પ્રવિણભાઈ રામ દ્વારા અલગ અલગ સોશિયલ મીડીયાના માધ્યમથી તા.૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ કલાક.૦૪/૦૦ વાગ્યે બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.અને તેઓની પાર્ટીના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું.જેના અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતા આમ આદમી પાર્ટીના વિવિધ આગેવાનો દ્વારા તથા ગુજરાત આમ આદમી પાર્ટીના આગેવાન રાજુભાઈ કરપડા તથા પરશોતમભાઇ રાઠોડ તથા પ્રવિણભાઇ રામ તથા આમ આદમી પાર્ટીના અન્ય આગેવાનો દ્વારા માર્કેટીંગ યાર્ડ હડદડ બોટાદની નજીકમાં આવેલ હડદડ ગામની ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ ચોકમાં ગ્રામ પંચાયતની સંમતિ વિના તથા સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી વિના સભાનુ આયોજન કરવામાં આવેલ અને ઉશ્કેરણીજનક ભાષણ કરવામાં આવેલ જેથી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે સારૂ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ હડદડ ગામે જતા આમ આદમી પાર્ટીના હોદેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા પુર્વ આયોજીત કાવતરૂ રચી કાવતરાના ભાગ રૂપે ગેરકાયદેસર મંડળી રચી પોલીસ ઉપર પથ્થર, ઇંટો તથા રેતી ભરેલ કાચની બોટલો દ્વારા હુમલો કરાવવામાં આવેલ અને પોલીસના વાહનોને નુકશાન કરી સળગાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવેલ જે અનુસંધાને બોટાદ જીલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશનમાં કુલ-૮૫ ઇસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે તથા કુલ ૬૫ ઇસમોને હાલ ડીટેઇન કરવામાં આવેલ છે. તદુપરાંત હડદડ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગામમાં અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે.
ડીવાયએસ,પીઆઇ સહિત ચાર પોલીસ કર્મચારી ઘાયલ
ખેડૂત અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં બોટાદ ડીવાયએસ મહષ રાવલ, રોકડ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ સોલંકી સહિત બે હેડ કોન્સ્ટેબલોને ઇજા થઈ હતી.તેમને હોસ્પિટલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
રેન્જ આઈજીએ કર્યું સ્થળ નિરીક્ષણ
બોટાદમાં બબાલ અને પથ્થરમારાની ઘટના બાદ તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હડદડ ગામમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા જુનાગઢના ઇન્ચાર્જ રેન્જ આઈજી નિલેશ ઝાઝડિયાએ જાતે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનું અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.









