કોર્પોરેટર પર હુમલા અંગે કોંગ્રેસી નગરસેવક સહિત 6 સામે ફરિયાદ

જામનગરમાં રાજકીય રાગદ્વેષના કારણે હુમલો કરાયાનું ખુલ્યું
બનાવના પગલે તંગદીલી પ્રસરતાં કાલાવાડ નાકા બહાર પટણીવાડ સહિતના વિસ્તારોમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વોર્ડનંબર ૧૨નાં વર્તમાન કોર્પોરેટર અસલમ ખીલજી ઉપર ભીડભંજન રોડ પર હુમલો કરાયો હતો. તેઓ પોતાનું બાઇક લઇને મહાનગર પાલિકાની કચેરીમાંથી બહાર નીકળ્યા દરમિયાન એક કારમાં પાંચ શખ્સો ધારદાર હથિયાર સાથે ઉતરી પડયા હતા અને જીવલેણ હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ કોર્પોરેટરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તે સારવાર હેઠળ છે.
આ બનાવ અંગે મોડી રાત્રે ઇજાગ્રસ્ત અસલમ ખીલજીના ભત્રીજા શાહનવાજ મોહમ્મદ હનીફ ખીલજીએ સિટી એ.ડિવિઝન પોલીસ મથકમાં વોર્ડ નંબર-૧૨ના કોર્પોરેટર અલતાફભાઇ ખફીના કહેવાથી રાજકીય રાગદ્વેષના કારણે આ હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર અસલમભાઇ ખીલજી રાજકીય આગેવાન હોય અને તેઓની કોંગી કોર્પોરેટર અલ્તાફભાઇ ખફી સાથે રાજકીય વાંધા ચાલતા હોય જે બાબતનો ખાર રાખી તેઓને મારી નાખવાના ઇરાદાથી કોર્પોરેટર અલ્તાફભાઇ ખફીએ પોતાના માણસો જુનેદ ઉર્ફે પાવડરીયો ઉર્ફે જુનીયો પટણી રજાકભાઇ ચૌહાણ, ઇસ્તીયાક ઉર્ફે ચોટલી બોદુભાઇ કુરેશી, સલીમ વલીભાઇ ખીલજી, હબીબ ખફી, તથા સમીર ઉર્ફે ચોર શકીલભાઇ ચૌહાણ વગેરેને મોકલી તલવાર તથા લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે માર મારતા અસલમભાઇને માથામાં ઇજા તથા ડાબા હાથમાં ફેક્ચર તથા બંને પગમાં ઘુંટણથી નીચેના ભાગે ફેક્ચરની ઇજા થઇ છે. સીટી એ.ડિવિઝનના ઇન્ચાર્જ પી.આઇ. પી.પી.ઝા અને તેઓની સમગ્ર ટીમે આ પ્રકરણમાં તપાસ શરૂ કરી છે. આ બનાવને લઇને કાલાવડ નાકા બહાર પટણીવાડ સહિતના વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાયેલી છે, અને પોલીસ દ્વાર સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તથા પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.








