Jamnagar Crime : જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા એડવોકેટની ઓફિસમાં ઘૂસી જઇ તેઓને ઢોર માર મારવા અંગે તેમજ તેઓના ખિસ્સામાંથી રૂપિયા દસ હજારની લૂંટ ચલાવવા અંગે ઉપરાંત લાલ બંગલા સર્કલમાં પણ ધાકધમકી આપવા અંગે જામનગર શહેર ભાજપના લઘુમતી મોરચાના એક હોદ્દેદાર સહિત ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હવાઈ ચોક ભાનુશાળી વાડ વિસ્તારમાં રહેતા એડવોકેટ પંકજ અરવિંદભાઈ લહેરુએ ગઈકાલે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે કે ગત 28મી તારીખે બપોરે ત્રણ વાગ્યા દરમિયાન પોતાની ઓફિસમાં મુન્નાભાઈ આંબલીયા અને ગટુભાઈ આશિફભાઈ નામના બે શખ્સો આવ્યા હતા, અને પૈસાની લેતી દેતીના મામલે પોતાને માથું દીવાલમાં પછાડી ઢોર માર્યો હતો. ત્યારબાદ તેઓનું અપહરણ કરીને લાલ બંગલા સર્કલમાં લઈ ગયા હતા જ્યાં હલુભાઈ ઉર્ફે પટેલ આંબલીયાના કહેવાથી સમીર રફિકભાઈ નામના શખ્સએ આવીને મારકુટ કરી હતી, અને તેઓના ખિસ્સામાંથી 10,000ની રોકડ રકમની લૂંટ ચલાવી છે.
જ્યાં સિટી એ. ડિવિઝનના પી.આઈ અને તેઓની ટીમ દ્વારા એડવોકેટ પંકજ લહેરુની ફરિયાદના આધારે ઉપરોક્ત ચારેય આરોપીઓ મુન્નાભાઈ આંબલીયા, ગટુભાઈ આસીફભાઈ, સમીર રફિકભાઈ અને હલુભાઈ ઉર્ફે પટેલ આંબલીયા સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 309-6, 115-2, 351-3, 352, 54 તેમજ જીપીએકટ કલમ 135-1 મુજબ ગુનો નોંધ્યો છે.
ફરિયાદી અને આરોપી સાથે રૂપિયાની લેતી દેતીના મામલે આ બાબાલ થઈ હોવાનું અને આરોપીઓ ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક દસ લાખ રૂપિયાની માંગણી કરતા હોવાથી તકરાર અને જીભાજોડી થઈ હતી, અને આખરે મામલો બીચક્યો હતો.
આરોપીઓ અને તેના કેટલાક મળતીયાઓ સામેનો લાંબા સમયથી ફરિયાદી એડવોકેટ કેસ લડતા હતા, અને એકબીજા સાથે વર્ષોથી સંબંધ પણ હતો, પરંતુ પૈસાની લેતી દેતીના મામલે આ તકરાર થઈ હોવાનું જાહેર થયું છે. આ ફરિયાદને લઈને વકીલ આલમમાં ભારે ચકચાર જાગી છે, પોલીસે ફરાર થઈ ગયેલા ચારેય આરોપીઓને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેર ભાજપ દ્વારા તાજેતરમાં જ નવા હોદ્દેદારોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હલુભાઈ ઉર્ફે પટેલ આંબલીયા, કે જેઓ લાગૂમતી મોરચાના હોદ્દેદારની યાદીમાં સામેલ છે, જેની સામે આ ગુનો નોંધાવાતાં ચકચાર જાગી છે.


