અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ

ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી મિલકતના સાટાખત કરાવી 93 લાખમાં વેચી હતી
કલેક્ટરની મંજૂરી મેળવ્યા વિના અશાંતધારાની મિલકતનો સોદો કરનારા બન્ને પક્ષકારો સામે ગુનો નોંધાયો
શહેરના ક્રેસન્ટ વિસ્તાર વોર્ડ નં.૫, શીટ નં.૧૩૫, સીટી સર્વે નં.૪૪૬૩માં આવેલા પ્લોટ નં.૨૬૭/એ-૧/એ-૨/ઇ વાળી મિલકત અશાંતધારા વિસ્તારમાં આવતી હોય અને આ મિલકતના માલિક દર્શરાજ ધર્મેન્દ્રસિંહ ગોહિલ પાસેથી ગત તા.૨૬-૦૮-૨૦૨૫ના રોજ હાલ આ મિલકતમાં રહેતા અલારખભાઈ કાદરભાઈ ગીગાણીને વેચાણથી આપ્યો હતો. આ વિસ્તારમાં અશાંતધારો લાગૂ હોવાથી મિલકતનો દસ્તાવેજ નહી કરી સાટાખત કરાવી દર્શરાજ ધર્મેન્દ્રસિંહ ગોહિલે પાંચ મહિના પહેલા અલારખભાઈ કાદરભાઈ ગીગાણીને રૂ.૯૩ લાખમાં ગુજરાત અશાંતધારા વિસ્તાર તબદીલ અધિનિયમ-૧૯૯૧ હેઠળ કલેક્ટરની પરવાનગી મેળવ્યા વિના વેચી કબ્જો સોંપી અશાંતધારાની કલમ ચાર અને પાંચનો ભંગ કર્યો હતો. આમ, અશાંતધારા વિસ્તારમાં કલેક્ટરની મંજૂરી વિના પાંચ માસ પૂર્વે થયેલા મિલકતના સોદાની હકીકત સામે આવતા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ અને સીટી મામલતદાર કે.બી.ચાંદલીયાએ ઘોઘારોડ પોલીસ મથકમાં મિલકત વેચનારા દર્શરાજ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, અલારખ કાદરભાઈ ગીગાણી તથા તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક્કરક્ષક અધિનિયમની કલમ ૫, ૯(એ) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં અશાંતધારાની મિલકતને મંજૂરી આપવા માટે ભાવનગર એસડીએમના ડ્રાઈવર દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાના વાયરલ થયેલા કથિત ઓડિયો બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે પોલીસ દ્વારા આજે આ કાર્યવાહી કરવામાં આવી છે.
અશાંતધારા ભંગનો ભાવનગરમાં પ્રથમ કેસ નોંધાયો
અશાંતધારા ભંગનો ગુજરાતનો આ બીજો કેસ છે. અગાઉ અમદાવાદમાં અશાંતધારા ભંગનો કેસ નોંધાઈ ચુક્યો છે, જે બાદ ભાવનગરમાં આજે કેસ નોંધાયો છે. ભાવનગરમાં અશાંતધારા ભંગનો પ્રથમ કેસ હોવાનું સીટી ડિવાયએસપી સિંઘાલે જણાવ્યું હતું.
બન્ને આરોપીને કસ્ટડીમાં લીધાં, સોદામાં સંડોવાયેલા સામે પણ કાર્યવાહીના એંધાણ
આ મામલે ભાવનગર સીટી ડિવાયએસપી સિંઘાલે જણાવ્યું હતું કે, આ કેસના બન્ને આરોપીને પોલીસે કસ્ટડીમાં લઈને પુછપરછ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્થળ પર પંચનામુ તથા નાણાંકીય વ્યવહારની તપાસ થશે અને તપાસમાં જે નામો ખુલશે તેમની સામે પણ કાર્યવાહી થશે.








