સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં એજન્ટ રાજ : ડેપ્યુટી ઈજનેરના એજન્ટ નાના કોન્ટ્રાક્ટરોને હેરાન કરતા હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ

Surat Corporation : સુરતની અન્ય સરકારી કચેરીમાં એજન્ટ રાજની ફરિયાદ હતી. તો હવે પાલિકાના લિંબાયત ઝોનમાં પણ એજન્ટ રાજ ચાલતું હોવાની ફરિયાદ થઈ છે. મ્યુનિ. કમિશનરને ફરિયાદના નામ વિના લેખિત ફરિયાદ કરવામાં આવી છે નામ વિના મ્યુનિ. કમિશ્નરને થયેલી ફરિયાદમાં ઝોનના ડેપ્યુટી ઈજનેરે માનિતા કોન્ટ્રાક્ટરને સાચવવા માટે અન્ય કોન્ટ્રાક્ટરોને એજન્ટ મારફતે હેરાન કરતા હોવાની ફરિયાદ થઈ છે. સામી દિવાળીએ આ પ્રકારની ફરિયાદ પાલિકામાં ચર્ચાનો વિષય બની છે.

સુરત પાલિકા સહિત શહેરમાં અનેક કચેરીઓમાં લાંચીયા કર્મચારીઓની સંખ્યા વધી રહી છે અને તેના માટે એસીબી ટ્રેપ થઈ રહી છે. આ વાત વચ્ચે સુરત મ્યુનિ. કમિશનરને નામ વિનાની લેખિત ફરિયાદ થઈ છે. જેમાં જણાવ્યું છે કે, લિંબાયત ઝોનમાં બાર લાખ સુધીના કોન્ટ્રાક્ટરો છીએ. ઝોનના વાય.સી.દેસાઈ ડેપ્યુટી ઈજનેર છે તેઓએ ફિરોજ, અફઝલ અને પરવાના નામના એજન્ટ રાખ્યા છે. આ એજન્ટ ડે. ઈજનેરના માનિતા ન હોય તેવા કોન્ટ્રાક્ટરને હેરાન કરી રહ્યાં છે. આ હેરાનગતિ દુર કરવા માટે તપાસ કરવાની માંગણી કરી છે.
દિવાળી પહેલા મ્યુનિ. કમિશ્નરને ફરિયાદીના નામ વિના અધિકારી અને કહેવાતા એજન્ટના નામ સાથે ફરિયાદ થઈ છે તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ફરિયાદ સાચી હોય તો અધિકારી અને એજન્ટ સામે પગલાં ભરવા અને ખોટી હોય તો ખોટી ફરિયાદ કરનારા સામે પગલાં ભરવા માગણી થઈ રહી છે.


