જૂનાગઢના રાજા માડલીક અને નાગબાઇ અંગેની ટિપ્પણીનો વિવાદ: અમરોલી સ્વામીનારાયણ મંદિરના સ્વામીને માર મારનાર અને ધમકી આપનાર સામે ફરિયાદ
- ચારણ સમાજના અગ્રણીઓની દરમિયાનગીરીથી સમાધાન થયું હતું, પણ ધમકીભર્યા ફોન આવવાનું ચાલુ રહેતા છેવટે પોલીસનું શરણું લીધું
સુરત
અમરોલી-કોસાડ રોડના સ્વામીનારાયણ મંદિરના સ્વામીએ યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા પોતાના પ્રવચન અંતર્ગત જુનાગઢના રાજા માડલીક અને નાગબાઇ માતાના જણાવેલા એક પ્રસંગ મુદ્દે તું કેમ ચારણ સમાજ અને નાગબાઇ માતા અંગે ખરાબ વાત કરે છે એમ કહી મંદિરમાં ઘુસી જઇ સ્વામી સહિત ચારથી પાંચ જણાને માર મારવાના પ્રકરણમાં છેવટે સ્વામીએ અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
અમરોલી-કોસાડ રોડની હરિદ્વાર સોસાયટી સ્થિત સ્વામીનારાયણ મંદિરના સ્વામી જ્ઞાનપ્રકાશદાસ હરિવલ્લભદાસજી દાસજીએ સ્વામીનારાયણ વિઝન નામની ચેનલ પર પોતાના પ્રવચનનો વિડીયો અપલોડ કર્યો હતો. જેમાં જૂનાગઢના રાજા માડલીક અને નાગબાઇ માતાનો એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. જેને મુદ્દે ચારણ સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને અમદાવાદના માવદાન ગઢવી નામના વ્યક્તિએ ફોન કરી સ્વામીને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. જો કે સ્વામીએ વિડીયો ડિલીટ કરી લાગણી દુભાય હોવાથી માફી માંગતો વિડીયો અપલોડ કર્યો હતો. તેમ છતા બે દિવસ અગાઉ ચારણ સમાજના 15થી 20 લોકોનું ટોળું મંદિરમાં ઘુસી ગયું હતું. ટોળાએ સ્વામીના રૂમનો દરવાજો તોડી અંદર ઘુસી જઇ તેમને ઘસડીને બહાર લઇ આવી માર માર્યો હતો. ઉપરાંત મંદિરના કૃપા સ્વરૂપ સ્વામી, મુકુંદ ભગત અને હરિભકત પ્રવિણ સવાણીને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જો કે ચારણ સમાજના અગ્રણીઓએ દરમિયાનગીરી કરતા તેઓ વચ્ચે સમાધાન થઇ ગયું હતું. જો કે ત્યાર બાદ પણ કેટલાક મોબાઇલ નંબર પરથી ધમકીભર્યા ફોન સ્વામી ઉપર આવતા છેવટે તેમણે માવદાન ગઢવી, હાર્દિક ગઢવી તથા મોબાઇલ નંબર ધારકો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.