જન્મનું ખોટું પ્રમાણપત્ર કાઢી આપતા દુકાનદાર સામે ફરિયાદ
પૂરમાં દીકરીનું બર્થ સર્ટિફિકેટ ધોવાઇ જતા દુકાનદારે ખોટું કાઢી આપ્યું
વડોદરા,જન્મનું ખોટું પ્રમાણપત્ર ૨,૨૦૦ રૃપિયા લઇ નકલી કાઢી આપનાર દુકાનદાર સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હરણી વાલમ હોલની બાજુમાં રાજેશ્વર રેસિડેન્સીમાં રહેતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમિક જોશીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હરણી સવાદ ક્વાટર્સમાં આવેલી વોર્ડ - ૪ ની ઓફિસે હાલમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોના આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે.ગઇકાલે એક યુવતીના જન્મનું પ્રમાણપત્ર મને વોર્ડના ઓપરેટરે મોકલ્યું હતું. તે પ્રમાણપત્ર ચેક કરતા ખોટું હોવાનું જણાઇ આવ્યું હતું. જે પ્રમાણપત્ર લઇને આવનાર રેખાબેન જુગેશભાઇ વાઘેલા (રહે. સંતોષી નગર, ખોડિયાર નગર) ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, પાણીના પૂરમાં મારી દીકરીના જન્મનું પ્રમાણપત્ર ધોવાઇ ગયું હતું. મારી દીકરીની સ્કૂલના એડમિશન તેમજ આધાર કાર્ડ માટે મારે તેના જન્મના પ્રમાણપત્રની જરૃરિયાત હોવાથી મેં ખોડિયાર નગર આયુષ્ય હોસ્પિટલ પાસે આવેલી દુકાનેથી સુમિત લલિતકુમાર પાસેથી મારી દીકરીનો જન્મનો દાખલો કઢાવ્યો હતો. તેણે મારી પાસેથી ૨,૨૦૦ રૃપિયા લીધા હતા.