સુરત
પોલીસી શરત મુજબ બે વર્ષના વેઈટીંગ પીરીયડ પહેલાના ક્લેઈમને વીમા કંપનીએ યોગ્ય રીતે નકાર્યો હોવાનો નિર્દેશ
હાઈપર ટેન્શનની બિમારીની સારવાર પેટે થયેલા 1.54 લાખના ખર્ચનો ક્લેઈમ નકારના વીમા કંપની સામેની ફરિયાદ આજે સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એમ.એચ.ચૌધરી તથા સભ્ય પુર્વીબેન જોશીએ નામંજુર કરી છે.
વરાછા લંબેહનુમાન રોડ સ્થિત અભય નગર સોસાયટીમાં રહેતા ફરિયાદી જયેશ મગનભાઈ જીંજાળા તથા મગનભાઈ મથુર જીંજાળા વર્ષ-2014થી ધી ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીનો રૃ.3 લાખની સમ એસ્યોર્ડ પોલીસી પોતાના તથા પરિવારના સભ્યો માટે ઉતરાવી રિન્યુ કરાવતા હતા. દરમિયાન ઓગષ્ટ-2015માં ફરિયાદી મગનભાઈ જીંજાળાને ગભરામણ તથા દુઃખાવો થતાં તા.27-8-15ના રોજ ખાનગી હાર્ટ ઇન્સ્ટીટયુટમાં દાખલ થતા હાઇપરગ્લાસેમિયા અને હાઇપરટેન્શનનું નિદાન થયું હતું. સારવારનો કુલ ખર્ચ રૃા.1.74 લાખ થતા વીમા કંપનીને ક્લેઇમ કર્યો હતો. જે બીમારીના બે વર્ષના વેઇટીંગ પીરીયડ બાદ જ મળી શકે તે શરત હોવાથી વીમા કંપનીએ નકારી કાઢતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી. સુનાવણીમાં કંપની તરફે જણાવાયું કે, પોલીસી શરત મુજબ 24 માસનો વેઈટીંગ પીરીયડ પુરો થતો ન હોઈ વીમા કંપનીએ સારવારનો ખર્ચ ચુકવવાનો રહેતો ન હોવાથી યોગ્ય રીતે ક્લેઈમ નકાર્યો હોઈ ફરિયાદ રદ કરવી જોઇએ.


