વડોદરાઃ કારના શોરૃમમાં પગારના મુદ્દે ઝઘડો થતાં પોલીસને બોલાવનારે શખ્સે શો રૃમમાં ઉગ્રતા સર્જ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ સાથે પણ ઝપાઝપી કરતાં તેની સામે જુદીજુદી બે ફરિયાદ નોંધવામાં આવી છે.
ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નિલેશ હિંમત ભાઇએ છાણીના કારના શોરૃમમાંથી છૂટા કરાયેલા કર્મચારી દર્પણ ધનજીભાઇ રાઠોડ (સૌરાષ્ટ્ર સોસાયટી,બાજવા) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,છાણીના કારના શો રૃમમાં નોકરી કતા દર્પણને પગાર બાબતે જનરલ મેનેજર સાથે ઝઘડો થતાં તેને રીલીવ કરવામાં આવ્યો હતો.બીજા દિવસે તા.૨૮મીએ બપોરે દર્પણે ફરી શો રૃમ પર જઇ મેનેજર અને અન્ય કર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી ધમકી આપી હતી.જેથી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
ફતેગંજના પોલીસ કર્મીએ કહ્યું છેકે,હું શો રૃમના બંને પક્ષને પોલીસ સ્ટેશનમાં લાવી ઇન્વે રૃમમાં પ્રશ્નનું નિરાકરણ થાય તેવા પ્રયત્નો કરતો હતો. મેં દર્પણને કોર્ટ રાહે દાદ લેવા સલાહ આપતાં તે ઉશ્કેરાયો અને તું શોરૃમ વાળાની તરફદારી કેમ કરે છે,તારું નામ અને બકલ નંબર શું છે,તારી હું વર્દી ઉતારી દઇશ તેમ કહી મારો કોલર પકડી હુમલો કર્યો હતો.
આ વખતે પોલીસ સ્ટેશનના સ્ટાફના અન્ય માણસો પણ આવી ગયા હતા પરંતુ દર્પણે તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી.જેથી ફતેગંજ પોલીસે દર્પણ સામે મેનેજરની ફરિયાદને આધારે તેમજ પોલીસ સ્ટેશનમાં હુમલો કરવા બાબતે જુદાજુદા બે ગુનો નોંધ્યા છે.


