બનાવટી CCC પ્રમાણપત્ર રજૂ કરનાર પશુપાલન નિયામક કચેરીના કર્મચારી સામે ફરિયાદ
Vadodara : આણંદ જિલ્લાના બાકરોલ ગામે રહેતા ડોક્ટર અનિલ કુમાર વાઢેર નડિયાદ ખાતે મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મનોજકુમાર સુરેશભાઈ બારોટને સહાયક પશુધન નિરીક્ષક તરીકે મકરપુરા રોડની નાયબ પશુપાલન નિયામકની કચેરીમાં સહાયક પશુધન નિરીક્ષક તરીકે તારીખ 15-7-2008 ના રોજ નિમણૂક થઈ હતી.
મનોજ બારોટે આઈ.ટી.આઈ વડોદરા કેન્દ્ર ખાતે તારીખ 17-18-2009 ના રોજ લેવાયેલી કોમ્પ્યુટરની સીસીસી પરીક્ષા ઉત્તીર્ણ કરી હોવાની નોંધ તેમની સેવાપોથીમાં તત્કાલીન નાયબ પશુપાલન નિયામકે કરી હતી. કચેરી દ્વારા સીસીસી પ્રમાણપત્રની માન્ય સંસ્થા દ્વારા ખરાઈ કરવા જણાવવામાં આવ્યું હતું જેથી ખરાઈ કરતાં આઈ.ટી.આઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મનોજ બારોટે જણાવેલી તારીખના રોજ સંસ્થા દ્વારા પરીક્ષા લેવાયેલ નથી. સીસીસી પ્રમાણપત્ર ખોટું અને બનાવટી હોવાનો ખુલાસો થયો હતો. જે અંગે કચેરીના હુકમ મુજબ મનોજકુમાર બારોટ (રહે-અપુજી ગામ, તાલુકો-કઠલાલ, જિલ્લો-ખેડા, મૂળ રહે-બહારોલ, સાબરકાંઠા) સામે ફરિયાદ નોંધાવી છે.