ભુમાફિયાનું 250 કરોડની જમીન પચાવવાનું કાવતરૂ : કનુ ભરવાડ સહિત 5 સામે ફરિયાદ
- સોલા ભાડજની 30 હજાર ચો.મી જમીનનો વિવાદ
અમદાવાદ,તા.22 ફેબ્રુઆરી 2023,બુધવાર
સોલાના ભાડજમાં આવેલી ૩૦ હજાર ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી ૨૫૦ કરોડની જમીન પચાવવાનું ભુમાફિયાનું કાવતરૂ ખુલ્લુ પડી જતા સોલા પોલીસ સ્ટેશનમાં સોમવારે કુખ્યાત કનુ ભરવાડ સહિત પાંચ આરોપી સામે ગુનો દાખલ થયો છે.આરોપીઓએ ખેડુત પાસેથી જમીન ૭.૭૭ કરોડમાં વેચાણ રાખ્યાનું બતાવીને વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યો હતો. ખેડુતોને ખબર પડી કે, તેઓની જમીન કોઈ લધુમતી કોમની મહિલાના નામે કરવામાં આવી છે. જે જાણકારીના આધારે ખેડુતોએ તપાસ કરાવતા સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતું. સોલા પોલીસે કનુ ભરવાડ સહિત પાંચ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ખેડુતને ૭.૭૭ કરોડ ચુકવી જમીન ખરીદ કર્યાનો વેચાણ દસ્તાવેજ તૈયાર કરી જમીન પચાવી પાડવાનું કારસ્તાન
ભાડજમાં રહેતાં રામજીભાઈ કાળીદાસ પરમાર (ઉં ૬૬)એ સોલા પોલીસ સ્ટેશનમાં અજય ભરવાડ, કનુ મહાદેવ ભરવાડ, આયશાબીબી કાસમખાન પઠાણ, શાહીનબાનુ મુનવ્વરહુસેન અંસારી અને સઈમ કરામતખાન પઠાણ સામે ફરિયાદ કરી છે. જે મુજબ આરોપીઓએ ફરિયાદી અને તેઓના ભાઈ તેમજ પરિવારજનોની ભાડજમાં આવેલી જૂદા જૂદા ફાઈનલ પ્લોટની અંદાજીત કુલ ૩૦,૬૫૦ ચો.મી ક્ષેત્રફળની જમીન જેની હાલની બજાર કીંમત અઢીસો કરોડ થાય છે. તે જમીન પચાવી પાડવા કાવતરૂ ઘડયાનો આક્ષેપ ફરિયાદમાં થયો છે. જે મુજબ આરોપીઓએ ખોટી જનરલ પાવર ઓફ એર્ટની બનાવી તેમાં ફરીયાદી અને તેના ભાઈની ખોટી સહીઓ કરી હતી. તે આધારે ખોટા અવેજ વાળો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નવેમ્બર,૨૦૨૨થી બનાવી ખોટા સોગંદનામા તૈયાર કરી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. જે સબરજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરી કરોડોની મત્તાની જમીન હડપી લેવાનું કાવતરૂ રચ્યું હતું. બનાવને પગલે ફરિયાદી અને તેમના ભાઈઓને આ બાબતે જાણ થતા તેઓેએ તપાસ કરતા સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. કનુ ભરવાડને પોલીસે જમીનના સીઆઈડી ક્રાઈમના કેસમાં ઝડપ્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. સોલા પોલીસે કનુ ભરવાડ સહિતના આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.