- નવરાત્રિમાં ગુનો નોંધાયા બાદ પણ બુટલેગરની પ્રવૃત્તિ યથાવત્
- ને.હા. નં.-8 પર દૂધની જેમ દારૂના વેચાણથી સ્થાનિકો પરેશાન : સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો
ખેડા જિલ્લાના માતર વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો અમલ માત્ર કાગળ પર હોય તેવું જોવા મળ્યું છે. માતરમાં આવેલા ઐતિહાસિક દાંડી માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ગેરકાયદે દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી છે. ચંદ્રકાન્ત તળપદા નામનો બુટલેગર આ વિસ્તારમાં પોલીસના કોઈ ડર વિના બેફામ બનીને દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે પ્રભુકૃપા સોસાયટી સહિતના આસપાસના રહેવાસીઓ દારૂના દુષણથી હાલાકી ભોગવી રહ્યા છે. દારૂ વેચાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને બુટલેગર સામે ફરિયાદ નોંધી છે. આ સમગ્ર મામલે માતરના પીઆઈ આર. એન. ખાંટે જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો બાદ દારૂનું વેચાણ કરનારા ચંદ્રકાન્ત તળપદા સામે પોલીસ ફરિયાદ નોંધી છે. અગાઉ નવરાત્રી દરમિયાન પણ આ જ ઇસમ વિરુદ્ધ દારૂ વેચાણ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ ફરિયાદ નોંધાઈ હોવા છતાં બુટલેગરની પ્રવૃત્તિઓ યથાવત રહેતા સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અથવા સાંઠગાંઠની શક્યતાઓ હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
રીઢા પોલીસ કર્મચારીના વહીવટથી બુટલેગરોને છુટ્ટોદોર
માતર પોલીસ મથકના એક રીઢા પોલીસ કર્મચારીની રહેમ રાહે જ આ તમામ બુટલેગરોને પીળા પરવાના આપવા ઉપરાંત પોલીસ સુધી ધરખમ હપ્તા પહોંચતા હોવાની વ્યાપક ચર્ચા છે. પોલીસ કર્મચારીની આ પ્રકારની રહસ્યમય નિમણૂકો અને વહીવટી સ્તરે તેમની પકડને કારણે જ માતર વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો ભંગ બેરોકટોક ચાલતો હોવાના આક્ષેપો છે. પોલીસ કર્મીએ વહીવટો કરી નામી-અનામી સંપતિઓ પણ ભેગી કર્યાની ચર્ચાએ જોર પકડયું છે.


