ગત વર્ષની સરખામણીએ હજી ૨.૨૫ કરોડ રિટર્ન ભરવા બાકી

વડોદરા,ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ ૧૫ સપ્ટેમ્બર હોવા છતાં, હજુ પણ સમગ્ર દેશમાં અંદાજે ૨.૨૫ કરોડ જેટલા રિટર્ન ભરવાના બાકી છે, જેથી રિટર્ન ફાઈલ કરવા મુદતમાં વધારો કરવાની માગણી થઈ છે.
આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર ૫.૩૦ કરોડ રિટર્ન ફાઈલ થયા છે. ગયા વર્ષે કુલ ૭.૪૧ કરોડ રિટર્ન ભરાયા હતા. જેથી આ પરિસ્થિતિ જોતા ટેક્સ પ્રેક્ટિશનર્સ અને કરદાતાઓમાં સમયમર્યાદા લંબાવવાની માંગણી ઊઠી છે, તેમ ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસનર્સના ખજાનચી અને સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્સના પ્રેસિડેન્ટ એમિરેટ ભાસ્કર પટેલે જણાવ્યું છે.
તેમણે કહ્યું છે કે, આ વર્ષે આઈટીઆર-૧ થી માંડીને આઈટીઆર-૭ સુધીના પોર્મ્સ ખૂબ જ મોડા બહાર પાડવામાં આવ્યા હતા, જેના કારણે હજારો કરદાતાઓ અટવાયા હતા અને સમયસર રિટર્ન ભરી શક્યા નહોતા. સામાન્ય રીતે આ ફોર્મ્સ તા.૧ એપ્રિલ સુધીમાં ઉપલબ્ધ થઈ જતા હોય છે. દરમિયાન ચેમ્બરના પ્રમુખ દીપક અમીને કહ્યું હતું કે, ચેમ્બર દ્વારા આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની તારીખો વધારવા માટે કેન્દ્રીય નાણામંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોસમની ભયંકર પરિસ્થિતિ, આવકવેરા ફોર્મ અને યુટિલિટીઝના વિલંબ, ટેક્નિકલ સમસ્યાઓ તહેવારની સીઝન, રિવાઈઝ્ડ ફોર્મેટ વગેરે કારણોને ધ્યાનમાં રાખીને રિટર્ન ફાઈલ કરવાની તારીખોમાં વધારો કરવો જરૃરી બન્યો છે.









