ચોટીલાના સુરૈઈ ગામની સીમમાં પ્રદુષણ ફેલાવતી અને આરોગ્યને જોખમી કંપનીને સીલ મારવામાં આવ્યું
વર્ની એનવાયરો કેર લી. કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી શેડ બનાવી હાનીકારક કેમીકલનું ડમ્પીંગ કરવામાં આવતું હતું
વડોદરા, કચ્છ, અમદાવાદ સહિતના શહેરોમાંથી હાનીકારક વેસ્ટેજ કેમીકલ લાવી કંપનીમાં ડમ્પીંગ થતું હતું
ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા સીલ મારવાનો હુકમ કરવામાં આવ્યો હતો
અમદાવાદના બે કંપની માલીકો સહિત ત્રણ વ્યક્તિ સામે કાર્યવાહી હાથધરાઈ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખાનગી કંપની દ્વારા નુકશાનકારક કેમીકલના ડમ્પીંગના કારણે આસપાસના ગામોમાં પ્રદુષણ સહિત લોકોના આરોગ્યને જોખમ ઉભું થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ ચોટીલા ડેપ્યુટી કલેકટર સહિતની ટીમે ચેકીંગ હાથધર્યું હતું અને ખાનગી કંપનીને સીલ મારવાનો હુકમ કર્યો હતો જેના ભાગરૃપે ચોટીલા મામલતદાર સહિતની ટીમે પ્રદુષણ ફેલાવતી જોખમી કંપનીને સીલ મારી કાર્યવાહી હાથધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના સુરૈઈ ગામની સીમમાં સર્વે નં.૨૮૩વાળી જમીનમાં વર્ની એનવાયરો કેર લીમીટેડ નામની ખાનગી કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી મોટો શેડ બનાવી તેમાં અલગ-અલગ શહેરો જેમ કે વડોદરા, કચ્છ, અમદાવાદમાંથી અતિશય દુર્ગંધયુક્ત અને હાનીકારક વેસ્ટેજ કેમીકલ ડમ્પરો દ્વારા ઠાલવી તેનો સ્થળ ઉપર ડમ્પીંગ કરવામાં આવતું હતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા સહિતનાઓએ સ્થળ પર તપાસ હાથધરી હતી જેમાં કંપની દ્વારા સ્થળ પર ડમ્પીંગ કરી નુકશાનકારક કેમીકલ બોરવેલ દ્વારા ભુગર્ભ જળમાં ફેંકી દેવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું જેના કારણે ભુગર્ભ જળનું પ્રદુષણ થઈ રહ્યું હતું જેના દુષીત પાણીના લીધે આસપાસના ખેડુતોના પાકને પણ મોટાપાયે નુકશાન થતું હતું આ ઉપરાંત લોકોને હૃદય, કીડની, ચામડી, પેટનો દુખાવો વગેરે રોગો થવાની શક્યતાઓ સેવાઈ રહી હતી જેને ધ્યાને લઈ તાત્કાલીક અસરથી ચોટીલા મામલતદાર સહિતની ટીમને પોલીસને સાથે રાખી ખાનગી કંપનીને સીલ મારવાનો હુકમ કર્યો હતો. જેના ભાગરૃપે ચોટીલા મામલતદાર સહિતની ટીમે પ્રદુષણ ફેલાવતા ખાનગી કંપનીને સીલ મારી કંપનીના માલીકો સહિત ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ખાનગી કંપની દ્વારા હાનીકારક કેમીકલના ડમ્પીંગના કારણે ચાર થી પાંચ ગામોને નુકશાન થતું હતું.
ચોટીલાના સુરૈઈ ગામમાં આવેલ ખાનગી કપંની દ્વારા ઘણા સમયથી હાનીકારક કેમીકલના ડમ્પીંગ કરવામાં આવતું હતું જેનાથી ઝુંપડા, નાનીયાણી, મોટાહરણીયા, સુરૈઈ સહિતના ગામોમાં પીવાનું તેમજ સીંચાઈનું પાણી પ્રદુષીત થતું હતું અને ખેડતોને પણ મોટાપાયે નુકશાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રીપોર્ટમાં પણ અમુક પેરામીટરોનું પ્રમાણ વધુ આવ્યું હતું.
જ્યારે આ મામલે ગુજરાત પ્રદષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ રીપોર્ટ કરવામાં આવતા કંપનીમાં થતાં ડમ્પીંગમાં બીઓડી/સીઓડી પેરામીટરનું પ્રમાણ ખુબ જ મોટાપ્રમાણમાં આવ્યું હતું અને તેના કારણે ભગર્ભ જળ દુષીત થયું હોવાનું પણ ઘટસ્ફોટ થયો હતો.
પ્રદુષણ ફેલાવનાર અમદાવાદના બે કંપની માલીકો સામે કાર્યવાહી હાથધરાઈ.
ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાના હુકમ બાદ મામલતદાર સહિતની ટીમ દ્વારા કંપનીને સીલ મારવાનો કાર્યવાહી હાથધરી હતી અને કેમીકલ ડમ્પીંગના કારણે નુકશાન પહોંચાડનાર કંપનીના બે માલીકો (૧) હતીશભાઈ પ્રભુદાસભાઈ ચૌધરી રહે.અમદાવાદ(ડાયરેકટર) (૨) વિવેકભાઈ દિનેશભાઈ જેઠવા રહે.અમદાવાદ (મેનેજર) અને (૩) દેવાયતભાઈ માણસુરભાઈ રબારી (ભાગીદાર) રહે.આશાપુરાનગર ચોટીલાવાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં અનેક પ્રદુુષણ ફેલાવતી કંપનીઓ સામે પણ કાર્યવાહીની માંગ
સુરેન્દ્રનગર અને વઢવાણ જીઆઈડીસી વિસ્તારો તેમજ જીલ્લાના તાલુકાઓમાં પણ આ પ્રકારની નુકશાનકારક હવા તેમજ પાણીનું પ્રદષણ ફેલાવતી અનેક કંપનીઓ નિયમોનું ઉલંધ્ધન કરી ધમધમી રહી છે ત્યારે આવી કંપનીઓ સામે પણ જવાબદાર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે અને નીયમો મુજબ કાર્યવાહીકરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.