વડોદરા કોર્પોરેશનમાં સ્ટ્રીટ વેન્ડર્સ અને પાર્કિંગની નવી પોલિસી માટે જગ્યા નક્કી કરવા સમિતિનું ગઠન
Vadodara Corporation : વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડર્સને યોગ્ય જગ્યાઓ ફાળવી શકાય તેમજ પાર્કિંગની નવી પોલિસી માટેની જગ્યાઓ નક્કી કરવા એક સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સમિતિના વડા કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) રહેશે. આ કમિટી સ્ટ્રીટ વેન્ડર્સ માટેના તેમજ પાર્કિંગ પોલિસી નક્કી કરવા માટેના નીતિ નિયમો બનાવવા, નવી જગ્યાઓ શોધવી અને વૈકલ્પિક વ્યવસ્થા નક્કી કરશે. આ કમિટીની બેઠકો નિયમિત મળતી રહેશે.
આ ઉપરાંત હોકિંગ ઝોન અને નોન હોકિંગ ઝોન માટેના નિયમોમાં સુધારા વધારા કરીને યોગ્ય આયોજન કરવાનું પણ નક્કી કરશે. સ્ટ્રીટ વેન્ડર્સને હોકિંગ માટે જગ્યા મળે અને શહેરના મુખ્ય રસ્તાઓ પર લારી ગલ્લાના દબાણો દૂર થાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે. આ કમિટી પાર્કિંગ પોલિસી માટે નીતિ નિયમો બનાવવા ઉપરાંત પાર્કિંગની જગ્યાઓ નક્કી કરવાનું પણ કામ કરશે. જેથી શહેરીજનોને પાર્કિંગ માટે યોગ્ય જગ્યા મળે અને ગેરકાયદે રીતે થતા પાર્કિંગથી છુટકારો પણ મળી શકે. વર્ષો અગાઉ કોર્પોરેશન દ્વારા પરવાના ધારકોની હાલની સ્થિતિ અંગેનો સર્વે પણ કરવામાં આવશે. કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં શહેરના તમામ વિસ્તારમાં વર્ષોથી ઊભા થયેલા દબાણનો કાયમી નિકાલ કરવા અને શહેરને દબાણ મુક્ત કરવા નક્કી કરવામા આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગોની આસપાસ તેમજ ફૂટપાથો પર અડીંગો જમાવીને લાંબા સમયથી લારીગલ્લા અને શાકભાજીની લારીઓના જે દબાણ હોય છે, તે દબાણ ટીમો મોકલીને દબાણો હટાવી જાહેર માર્ગોને ખુલ્લા કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. શહેરના દરેક ઝોનમાં પાંચ પાંચ પ્લોટની ઓળખ કરીને હૉકર્સ ઝોન અને વોકર્સ ઝોન તૈયાર કરવા તેમજ લારીગલ્લા અને પથારા અને શાક માર્કેટના વેપારીને હોકર ઝોનમાં ખસેડવાનું વિચારાયું છે. આ માટે ધંધાર્થીઓ પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવી તેઓને વેન્ડર્સ કાર્ડ આપવા અને પ્રાકૃતિક ખેતીની ચીજ વસ્તુઓના વેચાણ માટે અલગથી ઝોન ઉભા કરવાનું નક્કી કરાયું છે.