Get The App

નડિયાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કમિશનર દ્વારા જાહેરનામું

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કમિશનર દ્વારા જાહેરનામું 1 - image

- ઉલ્લંઘન કરનાર સામે મહાનગરપાલિકા કાર્યવાહી કરશે 

- બાંધકામ કરતી એજન્સીઓને ધૂળ ઉડતી રોકવા ગ્રીન નેટનો ઉપયોગ કરવા, વાહનો ઢાંકીને પરિવહન કરવા સૂચના  

નડિયાદ : નડિયાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો લાવવાના હેતુથી મહાનગરપાલિકા તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટેની માર્ગદશકા જાહેર કરવામાં આવી છે. હવામાં રજકણોનું પ્રમાણ ઘટાડવા માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કાર્યરત તમામ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓએ ચોક્કસ નિયમોનું પાલન કરવાનું રહેશે. શહેરમાં પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ રોકવા અને બાંધકામની સાઇટો પરથી ઉડતી ધૂળને નિયંત્રિત કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

કમિશનર દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, નડિયાદના તમામ કન્સ્ટ્રકશન સાઇટ્સ પર હવામાં રજકણો ન ફેલાય તે માટે ઉપરથી નીચે સુધી ગ્રીન નેટ લગાવવી ફરજિયાત કરવામાં આવી છે. આ ઉપરાંત બાંધકામ સાઇટ પરથી આવતા-જતા વાહનો રસ્તા પર ધૂળ કે રજકણો ન ફેલાવે તેની તકેદારી રાખવાની જવાબદારી સંબંધિત એજન્સીઓની રહેશે. શહેરમાંથી જ્યારે પણ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન મટિરીયલ લઈને વાહનો પસાર થાય ત્યારે તે મટિરીયલ યોગ્ય રીતે ઢાંકેલું હોવું જોઈએ. જેથી કરીને રસ્તા પર પ્રદૂષણ ન ફેલાય.

મહાનગરપાલિકા તંત્રએ કર્યું છે કે હવામાં રજકણો ફેલાય કે હવા પ્રદૂષિત થાય તેવી કોઈ પણ કાર્યવાહી કોર્પોરેશન વિસ્તારમાં કરી શકાશે નહીં. જો કોઈ પણ કોન્ટ્રાક્ટર, એજન્સી કે નાગરિક આ સૂચનાઓનો ભંગ કરશે તો મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સંબંધિત વિભાગ દ્વારા કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. ઉપરાંત સબંધિત વિભાગોને પણ આ અંગે જાણ કરી અમલવારીમાં સહયોગ માટે તાકીદ કરાઈ છે.