કોમર્સ ફેકલ્ટીએ મિડ અને એન્ડ સેમેસ્ટરની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પહેલી વખત શૈક્ષણિક વર્ષની શરુઆતમાં જ ઈન્ટરનલ પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.વિદ્યાર્થીઓને તેના કારણે પરીક્ષાની તૈયારી કરવા માટે જોઈતો સમય મળી રહેેશે.
મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટીમાં સપ્ટેમ્બર મહિનામાં એસવાય અને ટીવાયની ઈન્ટરનલ પરીક્ષા એટલે કે મિડ સેમેસ્ટર પરીક્ષા લેવાશે.જેમાં ટીવાયની પરીક્ષા તા.૯ સપ્ટેમ્બર થી ૧૭ સપ્ટેમ્બર, એસવાયની પરીક્ષા તા.૯ થી ૧૭ સપ્ટેમ્બર અને એફવાયની પરીક્ષા તા.૪ ઓકટોબરથી ૧૧ ઓક્ટોબર વચ્ચે લેવાશે.
કોમર્સ ફેકલ્ટીમાં જુલાઈમાં જ તમામ વર્ગો શરુ કરી દેવાયા હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય મળી રહેશે.દિવાળી વેકેશન બાદ કોમર્સ ફેકલ્ટીમાં એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં યોજાશે.જેમાં ટીવાયની પરીક્ષા તા.૧૩ નવેમ્બરથી, એસવાયની પરીક્ષા તા.૨૧ નવેમ્બરથી અને એફવાયની પરીક્ષા તા.૨ ડિસેમ્બરથી શરુ થશે.
કોમર્સની જેમ આર્ટસ ફેકલ્ટીમાં પણ શિક્ષણ શરુ થઈ ગયું છે પણ ફેકલ્ટીએ હજી કોમર્સની જેમ પરીક્ષાની તારીખો જાહેર કરી નથી.