એમ.એસ. યુનિ.માં આજથી કોમર્સનું શિક્ષણકાર્ય શરૃ થશે
પ્રથમ વખત કોમર્સમાં વિદ્યાર્થીઓ માટે ૨૩ સભ્યોની શિસ્ત સમિતિ બનાવી
વડોદરા,એમ.એસ. યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટી ખાતે તા.૧૭થી શિક્ષણ કાર્ય શરૃ થશે. ધો.૧૨નું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યા બાદ અઢી મહિના સુધી પ્રવેશ પ્રક્રિયા યુનિ.માં ચાલી હતી.
કોમર્સ ફેકલ્ટીની મેન બિલ્ડિંગ, યુનિટસ બિલ્ડિંગ્સ, ગર્લ્સ કોલેજ, પાદરા કોલેજ ખાતે શિક્ષણકાર્યનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ પર નજર રાખી શકાય તે માટે પ્રથમવાર ૨૩ સભ્યોની શ્સિત સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ વિદ્યાર્થીઓની શિસ્ત અને આચરણ બાબતે ચોકસાઈ રાખશે. કોમર્સ ફેકલ્ટીમાં બપોરે ૩ વાગ્યાથી અને પાદરા કોલેજમાં બપોરે ૧૨ વાગ્યાથી લેકચર્સ શરૃ થશે. આ વર્ષે કોમર્સમાં આશરે ૬૮૦૦ વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે.
દરમિયાન આજે અને ગઈકાલે કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન યોજાયું હતું. જેમાં યુનિવર્સિટી, ફેકલ્ટી અને નવી શિક્ષણ નીતિની જાણકારી અપાઈ હતી. મેન બિલ્ડિંગ અને યુનિટ બિલ્ડિંગ ખાતે આઠ-આઠ સભ્યોની અને ગર્લ્સ કોલેજ ખાતે ૬ સભ્યની શિસ્ત સમિતિ તા.૨૬ સુધી હાજર રહેશે.