રાજકોટથી જામનગર, ભુજ, ભાવનગર, અમરેલી અને જુનાગઢ જવાની એસટી બસ સેવાનો પ્રારંભ
- ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા આંતર જિલ્લા પાબંદી હટાવાઈ
- સૌરાષ્ટ્ર ઝોનમાં મુસાફરો માટે રાહત
દરેક મુસાફર માટે માસ્ક ફરજિયાત હજુ પાર્સલ અને કેન્ટીન સેવા શરૂ થતાં એકાદ બે દિવસ લાગશે
રાજકોટ, તા. 22 મે 2020 શુક્રવાર
સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકડાઉનના કારણે એસટીની પરિવહન સેવાઓ લાંબા સમયથી બંધ છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી આંશિક રીતે પરિવહન સેવા શરૂ કરવામાં આવ્યા બાદ આજથી રાજકોટથી જામનગર, જૂનાગઢ, પોરબંદર, ભુજ અને અમરેલી જવા માટેની એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રના કોઈપણ જિલ્લામાં રહેતા મુસાફરોની પરિવહન સેવા સરળ બને છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આંતર જિલ્લા એસટી પરિવહન સેવા શરૂ કરવામાં આવી હોવાની વિગતોના સમર્થનમાં આજે એસ.ટી.ના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટથી જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લા મથકોએ જવા માટે એસટી દ્વારા શરૂ કરવામાં આવી છે.
જેના કારણે એક જિલ્લામાંથી મુસાફરોને બીજા જિલ્લામાં જવું સરળ પડશે. હજુ રાજકોટથી વડોદરા, સુરત અને દક્ષિણ ગુજરાતમાં જવા માટેની એસટી એક્સપ્રેસ બસ સેવા શરૂ થઈ નથી તેમ જ વોલ્વો સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે એસટી નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી બસ સેવામાં દરેક મુસાફર ફરવા માટે ગયા છે તેમજ એસટી બસની અંદર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે 58 પેસેન્જરની બસમાં માત્ર 30 મુસાફરોને જ્યારે 30 પેસેન્જરની બસમાં માત્ર 18 મુસાફરોને જ બેસાડવામાં આવે છે.
હજુ એસટી પાર્સલ સેવા શરૂ કરવામાં આવી નથી તેમજ એસટી ડેપોમાં કેન્ટીન શરૂ કરવાની કામગીરી પણ એકાદ બે દિવસ પછી ચાલુ થશે. તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. દરેક જિલ્લા મથકોએ જવા માટે એસટી બસ સેવા શરૂ થતા ઉનાળાના વેકેશન દરમ્યાન પોતાના વતનમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ શિક્ષકો કે અન્ય લોકોને ઘણી રાહત થઇ છે.