કોલેજો પાસે તેજસ્વી ખેલાડીઓ છે પરંતુ યુનિ. પાસે શ્રેષ્ઠ કોચનો અભાવ


આજે આંતર કોલેજ ભાઈઓની યુનિ. કેમ્પસમાં ટેબલટેનીસ સ્પર્ધા : બહારગામની કોલેજનાં ખેલાડીઓને રાજકોટમાં રહેવા - જમવાનો ગંભીર પ્રશ્ન : છેલ્લા 12 વર્ષથી કોલેજોમાં પીટીઆઈની ભરતી થઈ નથી

રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ. સાતે સંલગ્ન ગ્રાન્ટેડ કે સરકારી કોલેજોમાં છેલ્લા 12 વર્ષતી શારીરિક શિક્ષણનાં અધ્યાપકની ભરતી થઈ નથી. મોટાભાગની કોલેજો પાસે મેદાનો સાધનો કે કોચ પણ નથી. બીજી બાજુ યુનિ. કેમ્પસમાં લાખો રૂ.ની કિંમતના મેદાનો સહિતની સુવિધા છે પરંતુ ખેલાડીઓને તૈયાર કરી શકે તેવા સક્ષમ કોચ કે સાધનો નથી. જેના કારણે યુનિવર્સિટી કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓ આંતર યુનિ.ની સ્પર્ધાઓમાં નબળા પુરવાર થાય છે.

કોરાનાના બે વર્ષ બાદ યુનિ. દ્વારા તાજેતરમાં આંતરકોલેજ સ્પર્ધાનાં પ્રારંભ સાથે જુદી જુદી કોલેજોનાં અધ્યાપકોએ શારીરિક શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ કૌશલ્ય દાખવતા હોવા છતાં આંતર યુનિવર્સિટી કક્ષાએ કયા કારણઓથી ફલોપ પુરવાર થાય છે? તેના કારણઓની રસપ્રદ છણાવટ કરી હતી. અધ્યાપકોએ જણાવ્યું હતું કે યુનિ. કેમ્પસમાં જુદા જુદા રમતોના 16થી વધુ મેદાનો, ઈન્ડોર સ્ટેડીયમ, જીમ્નેશિયમ, પ્રેકટીસપુલ સાથેનો આધુનિક સ્વીમીંગ પુલની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેકસના મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ રીન્યુ થયો નથી. પરિણામે હોકી, ફૂટબોલ અને વોલીબોલનાં આધુનિક ગ્રાઉન્ડની જાળવણી થતી નથી. એથ્લેટીકસનું મેદાન વરસાદની સિઝન બાદ દોડવા લાયક રહ્યું નથી. ઈન્ડોર સ્ટેડીયમની દિવાલોમાં ભેજ ઉતરતો હોવાને લીધે ખળભળી ગયું છે. ભાીઓના જીમ્નેશિયમમાં પુરતા સાધનોનો અભાવ છે. ત્યાં શારીરિક શિક્ષણ નિયામકની ઓફિસ ખસેડવામાં આવી છે. શારીરિક શિક્ષણ નિયામક જતીન સોનીનાં રાજીનામા બાદ કાર્યકારી શારીરિક શિક્ષણ નિયામક દ્વારા ગાડુ ગબડાવવામાં આવે છે. આ તમામ બાબતોને કારણે સરવાળે યુનિ.નાં વિદ્યાર્થીઓને નુકશાન સહન કરવું પડે છે.

આંતરકોલેજ યુનિ. કક્ષાએ ભાગ લેવા માટે બહારગામથી આવતા ખેલાડીઓનાં રાત્રિ નિવાસની કોઈ વ્યવસ્થા નથી. સવારે 6 વાગ્યે રમતના મેદાનમાં રજીસ્ટ્રેશન માટે હાજર રહેવું પડે છે. સ્પર્ધકોને બપોરે ભોજન કે નાસ્તાની વ્યવસ્થા યુનિ. દ્વારા કરવામાં આવતી નથી. આંતરકોલેજ સ્પર્ધામાં બહેનો વધુ પ્રમાણમાં ભાગ લેતા થયા છે. બહારગામની વિદ્યાર્થીઓની સલામતી માટે યુનિ. કેમ્પસમાં કામચલાઉ ધોરણે વ્યવસ્થા થવી જરૂરી છે. પરંતુ આ દિશામાં યુનિ.નો કોઈ અસરકારક પ્રયાસો થતા નથી. આવતીકાલ તા.4નાં ઓગ.નાં યુનિ. કેમ્પસ ઉપર સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ટેબલટેનીસ ભાઈઓની સ્પર્ધા યોજાશે.

City News

Sports

RECENT NEWS