અકોટા બ્રિજ પર બર્થ ડેના દિવસે જ કોલેજના યુવકનું ટ્રકની અડફેટે મોત
યુવક તેના મિત્રો સાથે હોટલમાં જમીને લાઇટિંગ શો જોવા નીકળ્યો અને જીવ ગુમાવ્યો

વડોદરા,બર્થ ડે ની ઉજવણી કરી અકોટા બ્રિજ પર લાઇટિંગ શો જોવા નીકળેલા યુવાનનું ટ્રકની અડફેટે મોત થયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઇ જતા ટ્રક ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો.
તરસાલી દંતેશ્વર રિંગ રોડ કમલા પાર્કની બાજુમાં ઓમકાર મોતી - ૧ માં રહેતા દિનેશભાઇ હસમુખભાઇ પટેલ વાઘોડિયાની એપોલો ટાયર કંપનીમાં વર્કર તરીકે નોકરી કરે છે. તેમનો ૧૮ વર્ષ ધિર ખાનગી યુનિવર્સિટીમાં બી.બી.એ.માં અભ્યાસ કરે છે. ગઇકાલે તેની બર્થ ડે હોઇ મિત્રો સાથે તરસાલી સુશેન રોડ પર એક હોટલમાં તેઓ જમવા માટે રાતે ગયા હતા. રાતે જમ્યા પછી તેઓ મોપેડ લઇને અકોટા સોલર પેનલ પરનો લાઇટિંગ શો જોવા માટે નીકળ્યા હતા. ધિરનો મિત્ર ગૌતમ કમલેશભાઇ બારિયા મોપેડ લઇને જતા હતા.જ્યારે અન્ય બે મિત્રો બીજા ટુ વ્હિલર પર જતા હતા. તેઓ સોલર પેનલથી આગળ અકોટા બ્રિજ તરફ જતા હતા. તેઓની આગળ બે ટ્રક જતી હતી. જેથી,તેઓ ધીમી ગતિએ આગળ વધતા હતા. તે દરમિયાન પાછળથી આવતી એક ટ્રકના ચાલકે મોેપેડને ટક્કર મારતા ધિર અને ગૌતમ નીચે પટકાયા હતા. ધિરને માથાના ભાગે ગંભીર ઇજા થતા લોહીલુહાણ થઇ ગયો હતો. તેને સારવાર માટે તેની સાથેના મિત્રા તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. અકોટા પોલીસે મોપેડને ટક્કર મારી સ્થળ પરથી ભાગી જનાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત ગૌતમ બારિયાને પણ માથામાં ઇજા થતા તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઇજાગ્રસ્તને સયાજીમાં તાત્કાલિક સારવાર ના મળતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો
વડોદરા,
અકસ્માત થયા પછી ધિરને તેના મિત્રો મોપેડ પર જ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. તેઓનું જણાવવું છે કે, સયાજી હોસ્પિટલમાં સારવારમાં મોડું થતા તેઓ મિત્રને તાત્કાલિસ સારવાર માટે માંજલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો સયાજી હોસ્પિટલમાં તેને તાત્કાલિક સારવાર મળી હોત તો કદાચ તેનો જીવ બચી જાત.