કલેક્ટરની બે વખત નોટિસ છતાં NHAIના અધિકારીઓ જાગતા નથી
કલેક્ટરે તાત્કાલિક રિપેરિંગ કરવા તાકીદ કરવા છતા પણ કામ નહી કરાતુ નથી
વડોદરા, તા.24 વડોદરા નજીક જાંબુઆ અને કરજણ તાલુકાના બામણગામ પાસે નેશનલ હાઇવે પર વારંવાર સર્જાતા ચક્કાજામના કારણે વાહનચાલકો હેરાન થઇ જતા હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટિના અધિકારીઓને નોટિસ આપી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે પરના માર્ગો અને બ્રિજો પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, ખાસ કરીને વડોદરાના દક્ષિણ છેડે જાંબુઆ નદી પરના સાંકડા બ્રિજ અને તેના પર પડેલા મોટા ખાડાઓના કારણે વડોદરા મુંબઇ વચ્ચેના વાહન વ્યવહારને મોટી અસર થાય છે. વડોદરાથી ભરૃચ અને સુરત તરફ જતા આ હાઇવે પર ચોમાસાની ઋતુમાં પસાર થવું એટલે માથાનો દુઃખાવો બની જાય છે.
સવા મહિનામાં પાંચ વખત ટ્રાફિકજામની સ્થિતિના પગલે સંખ્યાબંધ લોકો હેરાન પરેશાન થતાં આખરે જિલ્લા કલેક્ટરે નેશનલ હાઇવે ઓથોરિટિના અધિકારીને બે વખત નોટિસ આપી હાઇવેનું તાત્કાલિક સમારકામ કરવાના આદેશો આપ્યા હતાં. કલેક્ટર દ્વારા નોટિસો આપવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટિના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી અને હજી પણ ખાડાઓના કારણે ટ્રાફિકજામની સમસ્યા યથાવત રહી છે.