કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના મેજર પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું
જામનગર જિલ્લામાં રોડ અકસ્માતો કે કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી એક સપ્તાહ દરમિયાન ખાસ ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના વિવિધ પુલો તથા બાંધકામની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના સોયલ પાસે આવેલા 2 મેજર બ્રિજનું રૂબરૂમાં જઈ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. અને પુલોનું સ્ટ્રક્ચર તથા સલામતી જળવાઈ રહે તથા કોઈ અણબનાવ ન બને તે મુજબ યોગ્ય કામગીરી અને તપાસ કરવા લગત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પુલોના નિરીક્ષણ કરવા માટે ટીમો બનાવવામાં આવી છે. અને વિવિધ જગ્યાઓ પર તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
કલેક્ટર સાથે આ ચકાસણી દરમિયાન ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે તથા લગત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.