Get The App

૩૧ માર્ચ પહેલા બાકી કર વસૂલાત , અમદાવાદમાં ૨૬૦૨ મિલકત સીલ, સાત કરોડની વસૂલાત

મ્યુનિ.ના તમામ ટેકસની આવક રુપિયા ૨૩૦૫ કરોડના આંકને આંબી ગઈ

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News

        અમદાવાદ, શનિવાર,28 માર્ચ,2026

૩૧ માર્ચે નાણાંકીય વર્ષ પુરુ થાય એ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત માટે ઝૂંબેશ સઘન બનાવાઈ હતી. શનિવારે તમામ સાત ઝોનમાં બાકીદારોની કુલ ૨૬૦૨ મિલકત સીલ કરી રુપિયા ૭.૪ કરોડની વસૂલાત કરવામા આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેકસની આવક વર્ષ-૨૦૨૪-૨૫માં રુપિયા ૨૨૫૪.૧૫ કરોડ હતી જે ૨૮ માર્ચની સ્થિતિએ રુપિયા ૨૩૦૫.૯૮ કરોડના આંકને આંબી ગઈ હતી.

બાકી મિલકતવેરાની વસૂલાત કરવા મધ્યઝોનમાં ૧૨૮૧ મિલકત સીલ કરી રુપિયા ૧.૮૦ કરોડની વસૂલાત કરવામા આવી હતી.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૨૫ મિલકત સીલ કરી રુપિયા ૧.૧૦ કરોડની વસૂલાત કરવામા આવી હતી.ઉત્તરઝોનમાં બાકીદારોની ૧૧૦ મિલકત સીલ કરીને રુપિયા ૭૭ લાખ, દક્ષિણ ઝોનમાં ૧૭૬ મિલકત સીલ કરીને રુપિયા ૬૬ લાખ તથા પૂર્વ ઝોનમાં ૪૫૦ મિલકત સીલ કરીને રુપિયા ૧.૧૭ કરોડની વસૂલાત કરવામા આવી હતી.પશ્ચિમ ઝોનમાં એક પણ મિલકત સીલ કરાઈ નહતી છતાં રુપિયા ૮૭ લાખની આવક તંત્રને મિલકતવેરા પેટે થઈ હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૨૫ મિલકત સીલ કરી રુપિયા ૬૯ લાખની વસૂલાત કરવામા આવી હતી.૨૮ માર્ચની મોડી સાંજ સુધીમાં મિલકતવેરા પેટે રુપિયા ૧૭૭૧.૭૭ કરોડ, પ્રોફેશન ટેકસ પેટે રુપિયા ૨૭૧.૭૪ કરોડ તથા વ્હીકલ ટેકસ પેટે રુપિયા ૨૩૬.૫૩ કરોડ આવક કોર્પોરેશનને ટેકસ પેટે થઈ હતી.