Gujarat

બાકી મિલકતવેરો વસૂલવા અમદાવાદમાં એક દિવસમાં ૫૪૯૦ મિલકત સીલ કરાઈ

By GS TEAM
7 Mar 20261 min read
બાકી મિલકતવેરો વસૂલવા  અમદાવાદમાં એક દિવસમાં ૫૪૯૦ મિલકત સીલ કરાઈ

 અમદાવાદ, શનિવાર, 7 માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩૧ માર્ચ-૨૬ સુધી વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકાઈ છે.બીજી તરફ શનિવારે એક જ દિવસમાં સાત ઝોનમાં બાકીદારોની ૫૪૯૦ મિલકત સીલ કરી રુપિયા ૫.૪૯ કરોડની બાકી મિલકતવેરાની વસૂલાત કરાઈ હતી.પશ્ચિમઝોનમાં સૌથી વધુ ૩૧૬૭ મિલકત સીલ કરી રુપિયા ૧.૨૪ કરોડની વસૂલાત કરાઈ હતી.

શહેરના મધ્યઝોનમાં મેઘાણીનગર,ન્યૂ કલોથ માર્કેટમા આવેલી બાકીદારોની મિલકત સહિત કુલ ૪૦૫ મિલકત સીલ કરી રુપિયા ૧.૧૧ કરોડની વસૂલાત કરાઈ હતી.ઉત્તરઝોનમાં સુમેલ બિઝનેસ પાર્ક સહિત અન્ય ૩૩૩ બાકીદારોની મિલકત સીલ કરી રુપિયા ૩૩ લાખની વસૂલાત કરાઈ હતી.દક્ષિણ ઝોનમા માત્ર ૮૯ મિલકત સીલ કરી રુપિયા ૪૧ લાખની કરવસૂલાત કરાઈ હતી.પૂર્વ ઝોનના વિવિધ એસ્ટેટની ૬૩૩ મિલકત સીલ કરી બાકીદારો પાસેથી રુપિયા ૭૩ લાખના બાકી મિલકતવેરાની વસૂલાત કરાઈ હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૩૮૨ મિલકત સીલ કરીને રુપિયા ૧.૨૦ કરોડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમા ૪૮૧ મિલકત સીલ કરી રુપિયા ૪૭ લાખ બાકી મિલકતવેરા પેટે વસૂલ કરવામા આવ્યા હતા.૧ ફેબુ્આરીથી ૭ માર્ચ સુધીમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે શહેરમા કુલ ૧૬ હજારથી વધુ મિલકત તંત્રે સીલ કરી હતી.