Gujarat weather News : ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વઘ્યું છે. ગત રાત્રિના 7 ડિગ્રી સાથે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું અને સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
ઠંડીમાં આગામી દિવસોમાં રાહતના સંકેત!
આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. ગત રાત્રિના રાજકોટમાં 9.4 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાન સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું નોંધાયું હતું. નલિયા, રાજકોટ ઉપરાંત અન્યત્ર જ્યાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ભુજ, પોરબંદર, ડીસા, ગાંધીનગર, કંડલા, દાહોદ અને ભાવનગરનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં ઠંડીની શું છે સ્થિતિ?
અમદાવાદમાં 15 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે.


