વડોદરા: ડેન્ગ્યુ બાદ કાતિલ ઠંડીના મોજાથી હવે સ્વાઇન ફ્લૂના કેસો વધશે
- ગયા વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં સૌથી વધુ 414 પોઝિટિવ કેસ નોંધાયા હતા
વડોદરા, તા. 21 જાન્યુઆરી 2020 મંગળવાર
વડોદરામાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો હતો અને હવે કાતિલ ઠંડીના મોજાની વચ્ચે સ્વાઈન ફ્લૂના કેસોનું પ્રમાણ વધશે તેવી સંભાવના છે. વર્ષ 2019માં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં આ ત્રણ મહિનામાં સૌથી વધુ સ્વાઈન ફ્લૂના 414 પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા. જેમાંથી 30ના મરણ થયા હતા.
વર્ષ 2019માં સ્વાઈન ફ્લૂના કુલ 441 કેસ નોંધાયા હતા. તેમાંથી માત્ર આ ત્રણ મહિનામાં જ 414 કેસ જોવા મળ્યા હતા. કુલ 441 કેસ સામે મૃત્યુઆંક 33નો હતો. જોકે છેલ્લા સપ્ટેમ્બરથી જાન્યુઆરી મહિના સુધીમાં સ્વાઈન ફ્લૂનો એક જ કેસ જોવા મળ્યો છે.
જાન્યુઆરી મહિનામાં 17 દર્દીના સેમ્પલ લીધા છે, પરંતુ કોઈ પોઝિટિવ કેસ જોવા મળ્યો નથી. તાજેતરમાં એક્સપર્ટ કમિટી ઓફ ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રૂપ ફોર રીવ્યુ ઓફ કોમ્યુનિ કેબલ ડીસીસ ઇન ગુજરાતની મિટીંગ મળી હતી. જેમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂ અને વાહકજન્ય રોગોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આગામી માસમાં રાજ્યમાં સિઝનલ ફ્લૂ જેવા વાહક જન્ય રોગોમાં વધારો થવાની શક્યતા છે. જે બેકાબૂ ન થાય અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલોમાં પૂરતી સંખ્યામાં વેન્ટિલેટર ઉપલબ્ધ કરવા સિઝનલ ફ્લૂ વોર્ડ તૈયાર કરવા દવાઓનો પૂરતો જથ્થો જાળવવા રસીનો પૂરતો જથ્થો રાખવા ટેસ્ટ માટેની વ્યવસ્થાઓ કરવા જરૂર જણાય તો સીઝનલ ફ્લૂ અલાયદી ઓપીડી શરૂ કરવા આઇસોલેશન વોર્ડ શરૂ કરી બેડની સંખ્યા વધારવા આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતાં ડૉક્ટરો સહિતના તમામ સ્ટાફને સિઝનલ ફ્લૂ રસીથી આરક્ષિત કરવા અને દર સપ્તાહે ડેથ ઓડિટ કમિટી દ્વારા નિયમિત ઓડિટ કરવા આરોગ્ય વિભાગે સુચના આપી હતી.