વહેલી સવારે, રાત્રે શીતલહેરના કારણે રસ્તાઓ સુમસામ બન્યાં, રવી પાક માટે ઠંડી આશીર્વાદરૂપ
નડિયાદ : ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસરથી ખેડા જિલ્લામાં ૨ દિવસથી ઠંડીને ચમકારો જોવા મળી રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને ૧૧ ડિગ્રી પર પહોંચતા લોકો ઠુઠવાયાં છે. વહેલી સવારે અને મોડી રાત્રે શીતલહેરના કારણે રસ્તાઓ સુમસામ બને છે, જ્યારે રવી પાક માટે ઠંડી આશીર્વાદરૂપ બનવાની ખેડૂતોમાં આશા સેવાઈ રહી છે.
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ર્ષાની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે. ખેડા જિલ્લામાં પણ તેની અસર વર્તાઈ રહી છે. નડિયાદ સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચે ગગડયો છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેતા ઠંડા અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. ઠંડીનો પારો ૧૧થી ૧૨ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતા રાત્રિના સમયે વાતાવરણ વધુ ઠંડુગાર બન્યું છે. ઠંડીના કારણે સાંજ પડતાની સાથે જ બજારોમાં લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે અને રાજમાર્ગો વહેલા સુમસામ બની રહ્યા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળે છે.
બીજી તરફ ઠંડી ખેતી માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. જિલ્લામાં મુખ્યત્વે ઘઉં, તમાકુ અને રાઈડા જેવા રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. કૃષિ નિષ્ણાતોના મતે, જો ઠંડીનું પ્રમાણ આ જ રીતે જળવાઈ રહે તો ઘઉં અને બટાટાના પાકને મોટો ફાયદો થઈ શકે છે અને ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા છે.
જોકે, વાતાવરણમાં ઠંડી અને પવનના મિશ્રણને કારણે શરદી, ઉધરસ અને વાયરલ તાવના કેસોમાં પણ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી ૨ દિવસ સુધી ઠંડીનું આ મોજું યથાવત્ રહેવાની શક્યાતા છે.


