સૌરાષ્ટ્રમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર
જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ મેંદરડામાં 13, વંથલી, કેશોદ અને પોરબંદરમાં 11 ઈંચ, બાંટવા ખારા ડેમ આસપાસ 16 ઇંચ વરસાદ, જળાશયો છલકાયાં, નદીઓમાં ઘોડાપૂર, અનેક માર્ગો બંધ
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું જોર વધી ગયું હતું. ગઈકાલે મધરાતથી આજે સાંજ સુધીમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર સર્જાયો હતો. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમી દ્વારકામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ બનતા સરકારી તંત્રએ એનડીઆરએફ સહિતની રેસ્ક્યૂ ટીમો ઉતારવી પડી છે. જેમણે 20થી વધુ લોકોને પાણી વચ્ચેથી બચાવાયા હતા. સૌથી વધુ વરસાદમાં મેંદરડામાં 13 તો વંથલી, કેશોદ અને પોરબંદરમાં 11 ઈંચ, બાંટવા ખારા ડેમ આસપાસ 16 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી મોટાભાગના જળાશયો છલકાયા હતા અને નદીઓમાં ઘોડાપુર આવવા સાથે અનેક માર્ગો બંધ થયા હતા.
જૂનાગઢ જિલ્લાને આજે મેઘરાજાએ ધમરોળી નાખ્યો હતો. વહેલી સવારથી મેંદરડામાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ થયો હતો. પાદરચોક સહિતના વિસ્તારોમાં ત્રણ ચાર ફૂટ પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. મધુવંતી નદી ગાંડીતુર બની હતી. ખેતરોમાં વહેણ શરૂ થઈ જતા પાક ઉખડી ગયો હતો. મધુવંતી નદી નજીકનો ડાયવર્ઝન તણાઈ ગયો હતો. જ્યારે કેશોદમાં પણ 11 ઇંચ વરસાદથી સમગ્ર શહેરમાં પાણી પાણી થઈ ગયું હતું. વંથલીમાં પણ ધોધમાર 11 ઇંચ વરસાદ થયો હતો. થાણા પીપળીમાં 15 ઇંચ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આઠ દસ ઇંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદથી ખેતરોમાં ધોવાણ થતા કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થયું હતું.
જૂનાગઢ જિલ્લાનાં માણાવદરમાં 13 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે બાંટવા ખારા ડેમ સાઈટ પર મુશળધાર 16 ઇંચ વરસાદથી ઓવરફલો થતા 14 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જયારે લીંબુડામાં 14-15 ઇંચ,નાકરામાં 14 ઇંચ વરસાદ પડતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો. માળિયા હાટીનામાં પાંચ ઈંચ વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ભાખરવડ ડેમ અને મેઘલ ડેમ ઓવરફ્લો થયા હતા. જ્યારે માંગરોળમાં પાંચ,જૂનાગઢમાં ત્રણ ઇંચ વરસાદ થયો હતો. વિસાવદર અને ગિરનાર પર દોઢ અને ભેંસાણમાં માત્ર અડધો ઇંચ વરસાદ થયો હતો.
બીજી તરફ ગત મધરાતથી આજે સાંજ સુધીમાં પોરબંદરમાં ધોધમાર 11 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. કુતિયાણા અને રાણાવાવમાં પણ 7-7 ઈંચ વરસાદે જળબંબાકાર સર્જી દીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળવાનું ચાલુ રાખ્યું હતું. ગત રાત્રિથી આજે સાંજ સુધીમાં કલ્યાણપુરમાં આઠ ઈંચ તો દ્વારકામાં ચાર ઈંચ અને ભાણવડમાં બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. એ જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘમહેર યથાવત રહી હતી. જ્યાં સુત્રાપાડા અને ગીરગઢડામાં 8-8 ઈંચ તો તાલાલામાં 6 ઈંચ તેમજ વેરાવળ અને કોડિનારમાં 5-5 ઈંચ અને ઉનામાં 4 ઈંચ વરસાદથી ઠેર-ઠેર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લામાં આજે વરસાદનું જોર વધ્યું હતું. રાજુલામાં 6 ઈંચ, જાફરાબાદમાં 5 ઈંચ, લાઠીમાં 3 ઈંચ, સાવરકુંડલા અને લીલીયામાં 2 ઈંચ, બગસરા, અમરેલી અને ધારીમાં 1.5 ઈંચ તો વડીયા અને ખાંભામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે આજે લોધીકા, પડધરી અને કોટડાસાંગાણીમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લામાં હળવા-ભારે ઝાપટાં વચ્ચે કાલાવડમાં સાંબેલાધારે 5 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે મોરબી જિલ્લામાં આજે ટંકારા અને હળવદમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો.