CMએ ગાંધીનગરમાં 11,291 કરોડના સૂચિત રોકાણો માટે MoU કર્યા, 10 હજાર લોકોને રોજગાર મળશે
ગુજરાતમાં કુલ 90,665 કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે
ગાંધીનગર, 27 માર્ચ 2023 સોમવાર
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોગદાન આપી રહી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજાય છે.આ ઉપક્રમના છ તબક્કાઓ 13 ફેબ્રુઆરીથી 27 માર્ચ દરમ્યાન પૂર્ણ થયા છે અને કુલ 59 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ 90,665 કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે.
સૂચિત રોજગારીની તકો ઉપલબ્ધ થશે
આ ઉદ્યોગો શરૂ થવાથી 65431જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે. જે ક્ષેત્રોમાં અત્યાર સુધીમાં MoU થયા છે તેમા કેમિકલ ક્ષેત્રે 40 હજાર, એન્જીનિયરીંગ ક્ષેત્રે 6 હજાર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પાંચ હજાર સૂચિત રોજગારીની તકો ઉપલબ્ધ થશે.‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્ટસ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ને વધુ ગતિ આપતાં આજે એક જ દિવસમાં 3 MoU મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા.
રાજ્યમાં 11,291કરોડનું સૂચિત રોકાણ આવશે
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતીમાં થયેલા આ 3 MoU દ્વારા રાજ્યમાં 11,291કરોડનું સૂચિત રોકાણ આવશે અને 10,600 જેટલી સંભવિત રોજગારીનું સર્જન થશે. આ બહુવિધ MoU અન્વયે ફાર્માસ્યુટિકલ્સ અને સોડાએશ ઉદ્યોગોમાં રોકાણો આવશે. MoU કરનારા ઉદ્યોગોમાં બે ભારતીય કંપની અને એક જાપાનિઝ કંપનીએ અનુક્રમે નખત્રાણા, વાલિયા અને સાણંદ ખાતે પોતાના ઉત્પાદન એકમો શરૂ કરવામાં રસ દાખવ્યો છે.
અન્ય દેશોએ પણ આ પહેલા MoU કરેલા છે
આ‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ આ પહેલા MoU કરેલા છે.ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવકમલ દયાની એ રાજ્ય સરકાર વતી તથા સંબંધિત ઉદ્યોગકારોએ પોતાના એકમો વતી MoU પર હસ્તાક્ષર કરીને મુખ્યમંત્રી તથા મંત્રીઓ સમક્ષ આપ-લે કરી હતી.