Get The App

ગુજરાત સરકાર 'રામભરોસે'! મંત્રીઓ દ્વારા CMના આદેશની અવગણના, ધારાસભ્યો DyCMનું કહ્યું માને છે

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકાર 'રામભરોસે'! મંત્રીઓ દ્વારા CMના આદેશની અવગણના, ધારાસભ્યો DyCMનું કહ્યું માને છે 1 - image


Gujarat Ministers Skip Secretariat Despite CM Orders : ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણનો હેતુ પ્રજાના કામોમાં ઝડપ લાવવાનો અને સરકારી તંત્રને ગતિશીલ બનાવવાનો હતો, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કડક આદેશ છતાં નવા મંત્રીમંડળની ગંભીરતામાં ઝાઝો ફેર પડ્યો નથી. મુખ્યમંત્રીએ સોમવાર અને મંગળવારને મુલાકાતના દિવસો જાહેર કરીને ફરજિયાત હાજર રહેવા સૂચના આપી હતી, છતાં મોટાભાગના મંત્રીઓ સચિવાલયમાંથી ગેરહાજર રહેતા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

સોમવારે 'સ્વર્ણિમ સંકુલ' સુમસામ

સોમવારે (24મી નવેમ્બર) સચિવાલયનું સ્વર્ણિમ સંકુલ-2 સૂમસામ ભાસતું હતું, કારણ કે મુખ્યમંત્રીના આદેશની મોટાભાગના મંત્રીઓએ અવગણના કરી હતી. મુખ્યમંત્રી પોતે જામનગરના પ્રવાસે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી લંડનના પ્રવાસે ઉપડ્યા હતા. વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત અન્ય ઘણાં મંત્રીઓ પણ પ્રવાસે ગયા હતા.

નવનિયુક્ત મંત્રીઓ તો હજુ સુધી તેમના મતવિસ્તારમાં અભિનંદન સમારોહ (હારાતોરા)માંથી બહાર આવ્યા નથી અને ચેમ્બરમાં ગેરહાજર રહે છે. આ ગેરહાજરીને કારણે વિવિધ પ્રશ્નો લઈને આવેલા મુલાકાતીઓ મંત્રીઓને મળી શક્યા નહોતા અને તેમને પાટનગરનો ફેરો માથે પડ્યો હતો. તેમને ઓફિસમાંથી 'સાહેબ નથી, પછી આવજો' જેવો જવાબ આપીને પરત ફરવાની ફરજ પડી હતી.

CMનો આદેશ, મંત્રીઓ બેફિકર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટે મંત્રીમંડળની પ્રથમ કેબિનેટમાં જ કડક સૂચના આપી હતી. સોમવાર અને મંગળવારને મુલાકાતના દિવસો તરીકે નક્કી કરીને મંત્રીઓએ ફરજિયાત હાજર રહેવું. આ બે દિવસ દરમિયાન મંત્રીઓએ બેઠકોનું આયોજન પણ ટાળવું, જેથી મુલાકાતીઓને મળી શકાય. આ સૂચનાઓ સચિવાલયમાં સૂચના બોર્ડ પર પણ લગાવાઈ છે, છતાં મંત્રીઓ 'શેઠની શિખામણ ઝાંપા સુધી'ની ઉક્તિને સાર્થક કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

રાજકીય માથાકૂટનો યક્ષપ્રશ્ન

આ પરિસ્થિતિ પાછળની રાજકીય માથાકૂટ પણ એક કારણ છે. મુખ્યમંત્રી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું માનવું કે પછી કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલનું કહેવું કરવું, તે એક યક્ષપ્રશ્ન બની ગયો છે. આ રાજકીય ખેંચતાણથી બચવા માટે મુખ્યમંત્રીએ બધું નિયંત્રણ નાયબ મુખ્યમંત્રીના માથે થોપ્યું હોવાની ચર્ચા છે. હાલ સચિવાલયમાં અધિકારીઓ જ નહીં, ધારાસભ્યો પણ નાયબ મુખ્યમંત્રીનું કીધું જ વધુ માને છે.

Tags :