'અમે તો ગાંધીનગર બેઠા હોઈએ તો ક્યારેક કોઈ વાત ન પહોંચે', કામ ન થયાનો મુખ્યમંત્રીએ હસતાં હસતાં કર્યો સ્વીકાર
CM Bhupendra Patel in Junagadh : જૂનાગઢ લોકસભા ચૂંટણી અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. ગિરનારમાં કમલમ કાર્યાલય ખાતે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભાજપના આગેવાનો અને કાર્યકરોને લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ દરમિયાન ઘણા કામ ન થયા હોવાનો મુખ્યમંત્રીએ હસતા હસતા ખુદ સ્વીકાર કર્યો હતો.
અમે તો ગાંધીનગર હોઈએ તો ક્યારેક કોઈ વાત ન પહોંચે : ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'અમે તો ગાંધીનગર બેઠા હોઈએ, ક્યારેક કોઈ વાત અમારા સુધી ન પહોંચે તેવું બને. કોઈ કામ ન થયા હોય તો તેનું અમને દુઃખ પણ થાય. વિકાસની ગતિ વધારવા નરેન્દ્ર મોદીને PM તરીકે ત્રીજી વખત તક મળશે, તો દેશનું અર્થતંત્ર વધુ ગતિથી દોડતું થશે.'
ઉમેદવાર તો એક જ હોય : ભૂપેન્દ્ર પટેલ
જૂનાગઢમાં ઉમેદવારના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુચક નિવેદન આપ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે હળવા અંદાજમાં કટાક્ષ કરતા કહ્યું કે, 'જુદું જુદું શું આવે, વધારે કેટલું આવે કોઈની પાસે ઉમેદવાર તો એક જ હોય. સામે બેઠા તેમાંથી ગમે તેને ઉમેદવાર જાહેર કરીએ તો પાછો ના પડે.' જણાવી દઈએ કે, ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. વેરાવળ રઘુવંશી લોહાણા સમાજે રાજેશ ચુડાસમા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે મહાજનવાડી ખાતે લોહાણા સમાજના યુવાનોની બેઠક પણ યોજાઈ હતી. લોહાણા સમાજ દ્વારા જૂનાગઢમાં ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે. ડૉ. ચગ આત્મહત્યા કેસમાં લોહાણા સમાજ આકરાપાણીએ થયા છે. જોકે, ડૉ. ચગના પુત્રએ પિતાના નામનો ઉપયોગ નહીં કરવા અપીલ કરી હતી. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો ચગ પરિવારનું રાજેશ ચુડાસમા સાથે સમાધાન થઈ ગયું છે.
જૂનાગઢને જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે પોતાની કવાયત તેજ કરી દીધી છે. ત્યારે આજે (3 એપ્રિલ) જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મીટીંગનું આયોજન થયું હતું. જેમાં જૂનાગઢ જિલ્લા અને મહાનગરના પદાધિકારીઓ, આગેવાનો, મોવડીઓ અને કાર્યકર્તાઓ સાથે આગામી યોજનાઓ, લોકસભાની ચૂંટણી અને લક્ષ્યાંકકાર્યો બાબતે મહત્વપૂર્ણ સંવાદ કર્યો હતો.