કતારગામના લોકોની લડત આખરે રંગ લાવી : મેયર-સ્થાયી અધ્યક્ષની રજૂઆત બાદ મુખ્યમંત્રીએ નાના રિઝર્વેશન હટાવવા ખાતરી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરત પાલિકાના કતારગામ વિસ્તારની સંખ્યા બંધ સોસાયટી પર પહેલા નીકળી ગયેલા રિર્ઝેશન ફરીથી મુકી દેવાતા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. પાલિકાએ રહેણાંક સોસાયટીના ખુલ્લા પ્લોટ અને વાડીનો કબજો લેવાનું શરૂ કરતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. કોર્પોરેટર, ધારાસભ્ય, કેન્દ્રીય મંત્રીથી માંડીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સમસ્યાનો હલ થયો ન હતો. જોકે, હાલમાં સુરતના મેયર-સ્થાયી અધ્યક્ષે મુખ્યમંત્રી સાથે બેઠક કરી સ્થિતિ સમજાવતા મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અને નાના રિઝર્વેશન દુર કરવાની બાંહેધરી આપી છે.
સુરત પાલિકાના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં રહેણાક વિસ્તાર અને બાંધકામ થઈ ગઈ છે તેવી સંખ્યાબંધ સોસાયટીમાં રિઝર્વેશન મુકી દેવામાં આવ્યા હતા. જોકે, કતારગામ વિસ્તારના ધારાસભ્ય વિનોદ મોરડીયા શહેરી વિકાસ મંત્રી બન્યા તે સમયે થયેલી રજૂઆત બાદ આ રિર્ઝેશન હટાવી દેવામા આવ્યા હતા. પરંતુ ત્યાર બાદ થયેલા રાજકીય સમીકરણના કારણે ફરીથી રહેણાંક મિલકત પર રિઝર્વેશન મુકી દેવામાં આવ્યા હતા. સંખ્યાબંધ લોકો અને પુર્વ મંત્રી સહિત અનેક લોકોએ આ માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડાપ્રધાન સુધીને પત્ર લખવામાં આવ્યો હતો. અસરગ્રસ્તોએ સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ, કેન્દ્રીય મત્રીને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ પ્રશ્નોનો નિવેડો આવતો ન હતો.
દરમિયાન પાલિકા તંત્રએ રહેણાક વિસ્તારની સોસાયટીઓના ખુલ્લા પ્લોટ અને સોસાયટીની વાડીનો કબજો લેવાનું શરૂ કર્યું હતું જેના કારણે ભારે હોબાળો થયો હતો. લોકોએ સોસાયટીના ગેટ પર તાળા મારી પહેરો ગોઠવી દીધો હતો. પાલિકા જો કબજો લે તો લેન્ડ ગ્રેબિંગ કેસ કરવા તથા આગામી ચૂંટણીમાં બતાવી દેવાની ચીમકી આપી હતી. લોકોનો આક્રોશ અને પોતાના પ્લોટ અને વાડી બચાવવા માટે કરેલી આક્રમક વિરોધ પ્રદશનને આખરે સફળતા મળી છે.
અનામત પ્લોટના કબ્જા લેવાની કામગીરી ચાલતી હતી ત્યારે સ્થાનિકો ફરીથી કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને મળ્યા હતા અને ત્યારબાદ કબજો લેવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી. હાલમાં કેન્દ્રીય મંત્રીના માર્ગદર્શન બાદ મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળ્યા હતા અને સ્થિતિ સમજાવી હતી અને મુખ્યમંત્રીએ હવે નાના પ્લોટ પરના રિઝર્વેશન હટાવવા માટે હકારાત્મક અભિગમ સાથે ખાત્રી આપી છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નજીકના દિવસોમાં જાહેરાત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.









