જિલ્લાના 7 તાલુકામાં મેઘકૃપા, અર્ધાથી 4 ઈંચ સુધી વરસાદ
- ગોહિલવાડની ગગન ગોખે પુનઃ મેઘરાજાની પધરામણી
- વલ્લભીપુરમાં 4, ભાવનગરમાં 3, સિહોરમાં અઢી, ઘોઘામાં સવા બે, ઉમરાળામાં બે, પાલિતાણામાં એક, જેસરમાં અર્ધો ઈંચ પાણી પડયું
ભાવનગર : ગોહિલવાડની ગગન ગોખે રવિવારે પુનઃ શાનદાર મેઘસવારી આવી પહોંચી હતી અને જિલ્લાના સાત તાલુકામાં ધીમી ધારે અર્ધાથી ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
ગઈકાલ સાંજથી આજે સવારે ૬ વાગ્યા સુધીમાં ૧૦ તાલુકામાંથી ૪ તાલુકામાં ઝાપટાં પડયા હતા. જેમાં ઘોઘામાં ૨ મિ.મી., તળાજામાં ૧૦ મિ.મી., જેસરમાં ૩ મિ.મી. અને મહુવામાં ૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા દરમિયાન મહુવાને બાદ કરતા વિવિધ તાલુકામાં મેઘકૃપા થઈ હતી. જેમાં ભાવનગરમાં ધીમી ધારે ૭૩ મિ.મી., વલ્લભીપુરમાં ૧૦૪ મિ.મી., ઉમરાળામાં ૫૦ મિ.મી., ઘોઘામાં ૫૯ મિ.મી., સિહોરમાં ૬૫ મિ.મી., ગારિયાધારમાં ૫ મિ.મી., પાલિતાણામાં ૨૧ મિ.મી., તળાજામાં ૬ મિ.મી., જેસરમાં ૧૫ મિ.મી. પાણી પડયું હતું.