Gujarat

જેસરમાં બારે મેઘ ખાંગા, સાડા 10 ઈંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

By GS TEAM
17 Jun 20252 mins read
જેસરમાં બારે મેઘ ખાંગા, સાડા 10 ઈંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

- નદી-નાળાઓ છલકાયા, કેડ સમા પાણીથી 3 કલાક સુધી રસ્તો બંધ રહ્યો

- લોકોના ઘર-દુકાનોમાં પાણી ઘૂસ્યા, ફૂલવાડી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ

જેસર : જેસર તાલુકામાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ સત્તાવાર સાડા ૧૦ ઈંચથી વધુ વરસેલા વરસાદથી પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદે તારાજી સર્જતા રસ્તાઓ બંધ થયા હતા. લોકોની દુકાનો-ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો પરેશાન બન્યા હતા. ભારે વરસાદના પગલે ફૂલવાડી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી હતી.

જેસરમાં મોસમના પ્રથમ વરસાદે જ લોકોને મહામુસીબતમાં મુક્યા હતા. સવારે ૬થી સાંજના ૬ વાગ્યા સુધીમાં સાડા ૧૦ ઈંચ વરસાદ વરસી જતાં નદી-નાળાઓ છલકાયા હતા. જેસરમાં લાકડિયા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ જતાં ત્રણ કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો. સેવાભાવી યુવાનોને દોરડા અને માનવ સાંકળ બનાવી લોકોની મદદે દોડી જવું પડયું હતું. ત્રણ ખુણિયા વિસ્તારમાં લોકોની અવર-જવર અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જ્યારે પાલિતાણા રોડ પર ચાર નાળા પાસે પાણીના પ્રવાહમાં એક ગાય તણાઈ ગઈ હતી. તો લાકડિયા વિસ્તારમાં એક ધણખુંટ તણાયાના વાવડ પણ મળ્યા હતા. લીંબડિયા વિસ્તારમાં બોલેરો તણાઈ જતાં પાણીનો પ્રવાહ ઓછો થયો ત્યાં સુધી સાંકળને બાંધી રાખવી પડી હતી અને ત્યારબાદ આઈસર દ્વારા બોલેરોને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવી હતી. ભારે વરસાદના પગલે લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. મકવાણા વાડી વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં તાત્કાલિક જેસબી મંગાવી પાણીનો નિકાલ કરાયો હતો.

જેસર અને ફૂલવાડી વિસ્તાર વચ્ચેથી પસાર થની નદીમાં પાણીનો પ્રવાહ ભયજનક રીતે વહેતો હોવાથી આ વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા મામલતદારે તાકીદ કરી હતી. તો પ્રથમ વરસાદમાં જ પીજીવીસીએલની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ હોય તેવો અનુભવ થયો હતો. જેસરમાં રાત્રિના ૧૦ વાગ્યાથી લાઈટ ડૂલ થઈ જતાં લોકોએ વીજ કચેરીના ફોન રણકાવ્યા હતા. મહુવા રોડ પર વાયર કપાઈ જવાથી ફોલ્ટ આવ્યાનું વીજ તંત્રએ જણાવ્યું હતું. વીજ પ્રવાહ બંધ રહેતા લોકો લાઈટ વિના આખી રાત અકળાયા હતા. જેસર તાલુકાના પા, ઝડકલા, કાત્રોડી, ચિરોડા, રાજપરા, બીલા, સરેરા, ચોક, અયાવેજ-૧, કરજાળા, તાતણિયા, છાપરિયાળી સહિતના ગામોમાં ધોધમાર અને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો અને ખેતમજૂરો ગેલમાં આવી ગયા હતા.