Get The App

સૌરાષ્ટ્રમાં ફરી મેઘસવારીઃ કલ્યાણપુર, મોરબી અને ધોરાજીમાં 2 ઈંચ વરસાદ

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રમાં ફરી મેઘસવારીઃ કલ્યાણપુર, મોરબી અને ધોરાજીમાં 2 ઈંચ વરસાદ 1 - image


2 સપ્તાહના વિરામ બાદ સમયસર મેઘમહેરથી ખેડૂતો ખુશ રાજકોટમાં જોરદાર ઝાપટાથી માર્ગો પાણી-પાણી થયા : ઉપલેટા અને ભાયાવદરમાં દોઢ ઈંચ, હળવદ, વિસાવદર અને માણાવદરમાં ધોધમાર 1 ઈંચ વરસાદ વરસ્યો

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં બે સપ્તાહના વિરામ બાદ આજે ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જેમાં કલ્યાણપુર, મોરબી અને ધોરાજીમાં બે ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે રાજકોટમાં જોરદાર ઝાપટાથી માર્ગો પાણી-પાણી થયા હતા. ઉપલેટા અને ભાયાવદરમાં દોઢ ઈંચ તેમજ હળવદ, વિસાવદર અને માણાવદરમાં ધોધમાર એક ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે સમયસર મેઘમહેરથી ખેડૂતો ખુશ થયા હતા. જો કે, હજુ અનેક ગ્રામ્ય વિસ્તારો પૂરતી મેઘકૃપા વરસી નહીં હોવાથી શ્રીકાર વરસાદની જરૂર છે.

રાજકોટ શહેરમાં આજે બપોરે 3 વાગ્યા આસપાસ ધોધમાર અડધો ઈંચ વરસાદ વરસી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે ધોરાજીમાં 2 ઈંચ, ઉપલેટામાં દોઢ ઈંચ, જેતપુર અને લોધિકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. એ જ રીતે મોરબીમાં મોટો વિરામ લીધા બાદ આજે ફરી મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી. સવારે 10થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન ધોધમાર બે ઇંચ વરસાદ વરસી પડતા શહેરના મુખ્ય માર્ગ એવા શનાળા રોડ, પંચાસર રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ સાથે હળવદમાં પણ એક ઈંચ વરસાદ પડયો હતો.

દ્વારકા જિલ્લામાં આજે હળવા-ભારે ઝાપટા વચ્ચે કલ્યાણપુરમાં મુશળધાર બે ઈંચ અને ભાણવડમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગર જિલ્લામાં પણ ઝાપટા વચ્ચે જોડિયામાં અડધો ઈંચ મેઘમહેર વરસી હતી. જૂનાગઢ જિલ્લામાં બપોર બાદ વિસાવદર અને માણાવદરમાં એક ઈંચ તો વંથલીમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લામાં આજે જાફરાબાદ અને સાવરકુંડલામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એક-બે ઈંચ સુધીની મેઘકૃપા વરસી હતી. અન્ય ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં આજે છૂટાછવાયા ઝાપટા પડયા હતા

Tags :