Gujarat

સૌરાષ્ટ્રમાં બે દિવસનાં અલ્પવિરામ બાદ ફરી મેઘ'લહેર': 5 ઈંચ સુધી વરસાદ

By GS TEAM
23 Aug 20251 min read
સૌરાષ્ટ્રમાં બે દિવસનાં અલ્પવિરામ બાદ ફરી મેઘ'લહેર': 5  ઈંચ સુધી વરસાદ

જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં અનરાધાર 5 ઈંચથી જળબંબાકાર : ભેંસાણમાં ધોધમાર 4  ઈંચ, : જૂનાગઢ, વડિયા અને ભાણવડમાં અઢી ઇંચ, વંથલી અને કોટડાસાંગાણીમાં બે ઈંચ ધોધમાર વરસાદ

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં બે દિવસનાં અલ્પવિરામ બાદ ફરી મેઘ'લહેર'ચાલુ થઈ છે અને આજે શનિવારે 27  તાલુકા મથકોએ અડધાથી લઈને પાંચ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જેમાં જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં અનરાધાર 5 ઈંચથી જળબંબાકાર સર્જાયો હતો. આ ઉપરાંત ભેંસાણમાં ધોધમાર 4  ઈંચ, જૂનાગઢ, વડિયા અને ભાણવડમાં અઢી ઇંચ, વંથલી અને કોટડાસાંગાણીમાં બે ઈંચ વરસાદ મુખ્ય રહ્યો હતો. આ સાથે નાના-મોટા જળાશયોમાં પણ નવા નીરની આવક ચાલુ થઈ છે.

સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી મેઘરાજાનું આગમન થઈ ગયું હતું. આજે સવારે બે અઢી કલાક દરમ્યાન ગિરનાર પર્વત અને જંગલ ક્ષેત્રમાં ધોધમાર 5  ઇંચ વરસાદ થયો હતો. જેના લીધે સોનરખ અને કાળવા નદીમાં પુર આવ્યું હતું. સોનરખ નદીના પુરના કારણે દામોદર કુંડ જોખમી રીતે છલકાઈ ઉઠયો હતો. આજે ભાદરવી અમાસ નિમિતે પિતૃ તર્પણ કરવા આવેલા લોકોને હેરાનગતિ ભોગવવી પડી હતી.  જ્યારે ભેસાણમાં પણ ધોધમાર 4 ઇંચ વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયા હતા. ખેતરોમાંથી પાણી વહેતા થયા હતા. આ સાથે આજે જૂનાગઢ, વડિયા અને ભાણવડમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા.