Get The App

સ્વચ્છતા સર્વેક્ષણ ઃ ગાંધીનગરને સુપર સ્વચ્છ લીગનો એવોર્ડ મળ્યો

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
સ્વચ્છતા સર્વેક્ષણ ઃ ગાંધીનગરને સુપર સ્વચ્છ લીગનો એવોર્ડ મળ્યો 1 - image


દેશમાં ત્રણથી દસ લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં અગ્રેસર

ગત વર્ષે એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ૩૦મું સ્થાન મળ્યું હતું ઃ ઓડીએફ શ્રેણી હેઠળ વોટર પ્લસ પ્રમાણપત્ર

ગાંધીનગર :  કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે યોજાતા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વર્ષ ૨૦૨૪માં ગાંધીનગર મહાનગરપાલિકાને સમગ્ર દેશમાં ત્રણથી દસ લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરોમાં સુપર સ્વચ્છ લીગનો એવોર્ડ પ્રાપ્ત થયો છે જ્યારે શૌચાલયની સુલભતા અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ અંતર્ગત ઓડીએફ શ્રેણી હેઠળ વોટર પ્લસ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬થી શહેરો વચ્ચે સ્વચ્છતાની હરીફાઈ અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ શરૃ કરવામાં આવ્યું હતું જેમાં શહેરોની સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન અને નાગરિકોના જોડાણ જેવા વિવિધ માપદંડો પર મૂલ્યાંકન અને રેન્કિંગના આધારે શહેરોને અલગ અલગ કેટેગરીના સ્વચ્છતાના એવોર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ સર્વેક્ષણના કુલ ૯ રાઉન્ડ યોજાઈ ચૂક્યા છે. જેમાં ગાંધીનગરની સ્થિતિ ઉપર નજર કરીએ તો સ્વચ્છતા સર્વેક્ષણ મામલે ગાંધીનગરમાં વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં સૌથી સારૃ કામ થયું હતું. વર્ષ ૨૦૨૦માં ગાંધીનગરનો ૮મો નંબર આવ્યો હતો અને બેસ્ટ સિટી ઇન ઇનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટીસીસનો એવોર્ડ મળ્યો હતો.  ૨૦૨૧માં ૬ઠ્ઠા ક્રમે આવ્યું હતું અને ક્લીનેસ્ટ સ્ટેટ કેપિટલનો એવોર્ડ મળ્યો હતો. તે પછી ૨૦૨૨માં ગાંધીનગર ૩૩મા ક્રમે ધકેલાઇ ગયું હતું.

જોકે સ્પેશિયલ મેન્શન સિટીનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે ૨૦૨૩માં ગાંધીનગરનો ક્રમ ૩૦મો હતો. જેના પગલે સ્વચ્છતાની બાબતમાં વધુ સઘન પગલાં ભરવામાં આવ્યા હતા અને સેક્ટર અને નવા વિસ્તારમાં સફાઈ અભિયાન સઘન કરી દેવામાં આવ્યું હતું. જેથી આજે દિલ્હી ખાતે યોજાયેલા વર્ષ ૨૦૨૪-૨૫ના સ્વચ્છતા સર્વેક્ષણમાં ગાંધીનગરને ૩થી ૧૦ લાખની વસ્તીની કેટેગરીમાં સ્વચ્છતા સુપર લીગનો એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આરોગ્યમંત્રી અને મેયર મીરાબેન પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ગાંધીનગરમાં ધીરે ધીરે નવા અને જૂના વિસ્તારમાં સ્વચ્છતા વધી રહી છે તેના કારણે ગાંધીનગર સ્વચ્છતામાં અગ્રેસર રહ્યું છે. જ્યારે ઓડીએફ શ્રેણી હેઠળ વોટર પ્લસ પ્રમાણપત્ર પણ ગાંધીનગરને આપવામાં આવ્યું છે.

ગાર્બેજ ફ્રી રેટિંગમાં ગાંધીનગર સુરત, અમદાવાદ કરતાં પાછળ

ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગ હેઠળ શહેરોને ઘન કચરા વ્યવસ્થાપનના વિવિધ પરિબળો પર આધારિત મૂલ્યાંકન કરીને ૭ સ્ટાર, ૫ સ્ટાર, ૩ સ્ટાર કે ૧ સ્ટાર રેટિંગ આપે છે. જેમાં ગાંધીનગરને ૩ સ્ટાર રેટીંગ મળ્યું છે. જોકે અમદાવાદ અને સુરતને ૭ સ્ટાર રેટીંગ મળ્યું છે. નોંધવું રહેશે કે હવે કોર્પોેરેશન દ્વારા ડમ્પિંગ સાઈટ ઉપર ઘન કચરાનો નિકાલ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેના કારણે આગામી સમયમાં રેટિંગ વધી શકે છે.

Tags :