નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાના રૂટ પર પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન
Vadodara : નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાનો દસ દિવસ અગાઉ પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પરિક્રમા કરવા રોજ સેકડો લોકો આવે છે પરિક્રમા દરમિયાન આવતા લોકો દ્વારા પ્લાસ્ટિક સહિતનો કચરો જ્યાં ત્યાં ફેંકવામાં આવે છે. આ કચરાની સફાઈ કામગીરી પર્યાવરણ પ્રેમીઓએ ઉપાડી લીધી છે. આ પર્યાવરણ પ્રેમીઓ પોતાના કામ ધંધામાંથી મુક્ત થઈ શનિ-રવિ આ કામ કરે છે. અત્યાર સુધીમાં એક શનિ રવિની કામગીરીમાં 70 કિલોથી વધુ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરીને નક્કી કરેલા સ્થાને તેનો નિકાલ કરવામાં આવ્યો છે.
દેવસ્ય ફાઉન્ડેશન, ફ્રી ધ ટ્રી ડ્રાઇવ નેચર વોક ગ્રુપ મિશન ગ્રીન વડોદરા, વિશ્વામિત્રી પદયાત્રા અને વનવગડોના સ્વયંસેવકોએ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા સ્વચ્છતા અભિયાન 2025 નું આયોજન કર્યું છે જેમાં 15 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો નર્મદા જિલ્લાના તિલકવાડાથી સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું હતું, અને રેંગણઘાટ સુધી સ્વયંસેવકો પરિક્રમાના રૂટ ઉપર કચરાની થેલી લઈ નીકળી પડ્યા હતા અને રસ્તામાં પ્લાસ્ટિકની કોથળીઓ થર્મોકોલ સહિતનો કચરો એકત્રિત કરીને આવતા જતા લોકોને પ્લાસ્ટિક કચરા અને તેનાથી પ્લાસ્ટિકના પ્રદુષણથી ઊભું થતું જોખમ અંગે લોકોને સમજ આપી હતી. જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો નહીં ફેંકવા અને ડસ્ટબિનમાં જ ફેંકવા અનુરોધ કર્યો હતો. સ્વયંસેવકોએ તિલકવાડા મામલતદાર ઓફિસ અને માંગરોળના સત્તાધીશોને પત્ર લખીને પર્યાવરણ પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને કચરાના નિકાલ માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા અનુરોધ કર્યો હતો. જોકે લોકોમાં હવે જાગૃતિ આવી છે, પરંતુ તંત્ર દ્વારા જ્યાં ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે તે તરત ભરાઈ જતા હોવાથી તેને ખાલી કરવાની તકેદારી રાખવાની જરૂર છે જેથી કરીને કચરો છલકાઈને બહાર વેરાય નહીં. આ ગ્રુપને હજુ ત્રણ શનિ-રવિ સ્વચ્છતા અભિયાનની કામગીરી કરવાની તક મળશે.