Gujarat

સફાઇના રૃપિયા માંગતા સફાઇ સેવક પર લાકડીથી હુમલો

By GS TEAM
8 Sep 20251 min read
સફાઇના રૃપિયા માંગતા સફાઇ સેવક પર લાકડીથી હુમલો

વડોદરા,જાંબુવામાં સાફ સફાઇનું કામ કરતા સફાઇ સેવકે સફાઇના રૃપિયા માંગતા સોસાયટીના રહીશે જાતિ અપમાનિત શબ્દો બોલી  લાકડીથી  હુમલો કર્યો હતો. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાંબુવા વુડાના મકાનમાં રહેતા કનુભાઇ છીતાભાઇ સોલંકી ઓ.એન.જી.સી.માં ગટર લાઇન સાફ કરવાનું કામ કરે છે. તેમજ અન્ય સમયમાં માંજલપુર અલવા નાકા વિસ્તારમાં આવેલી ચાર સોસાયટીમાં ઘરનો કચરો ભેગો કરવાનું તથા રસ્તાની સાફ સફાઇનું કામ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું માંજલપુર અલવા નાકા વિસ્તારમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં સાફ સફાઇ કરવા ગયો હતો. સોસાયટીના ગેટથી અંદર આવતા બીજા નંબરના મકાનમાંથી કચરો લઇ ગયા મહિનાના સાફ સફાઇના ૧૦૦ રૃપિયા લેવાના હોઇ દરવાજો ખખડાવ્યો હતો. આ ઘરના  પરિવારના યુવકે  મને ગાળો બોલી જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા. તેેણે લાકડી વડે મારા પર હુમલો કરતા મેં ડાબો હાથ લાકડી રોકવા માટે આગળ કરતા તેણે લાકડીનો બીજો ફટકો માથાની ડાબી બાજુ મારી દીધો હતો. દરમિયાન સોસાયટીના રહીશો ભેગા થઇ ગયા હતા.