વડોદરા કોર્પોરેશનના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓને ફીક્સ પગારના બદલે સરકારના ધોરણે પગાર મળશે
Vadodara Corporation : વડોદરા પાલિકામાં ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4ના તમામ સંવર્ગોની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી તથા સરકારની રહેમ રાહે નીતિ હેઠળ તા.01-01-2016 કે ત્યારબાદ નિમણૂક પામેલ ફિકસ પગારથી અજમાયશી ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓને તા.13-01-2020થી અમલીકૃત 12-24 ઉચ્ચતર પગાર ધોરણની યોજનાને બદલે રાજય સરકારના ધોરણે 10-20-30નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
પાલિકામાં બઢતીની મર્યાદીત તકોનો પ્રશ્ન હલ કરવા માટે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા 9-18-27ની યોજના તા.12-01-1993થી મંજૂરી મળતા તદ્દઅનુસાર અન્ય પરિપત્રથી અમલીકૃત છે. રાજય સરકારના નાણાં વિભાગના ઠરાવ અન્વયે તા.01-01-2016 કે ત્યારબાદ નિમણૂંક પામેલા ફિકસ પગારથી અજમાયશી ધોરણે ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4ના તમામ સંવર્ગોની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી તથા સરકારની રહેમ રાહે નીતિ હેઠળના કર્મચારીઓને મળેલ મંજૂરી અનુસાર ઉચ્ચતર પગાર ધોરણ લાગુ કરવામાં આવેલ છે.
સરકારી કર્મચારીઓ માટે 12-24 ઉ.૫ ધોરણેને બદલે 10-20-30 ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના લાગુ કરવામાં આવેલ છે. પાલિકામાં હાલમાં 12-24 ઉચ્ચતર પગાર ધોરણ યોજનામાં સમાવિષ્ટ કર્મચારીઓને 10-20-30 ઉચ્ચતર પગાર ધોરણની નીતિ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને અસંતોષ દૂર થઇ તેઓ પ્રોત્સાહિત થાય તેથી તે મુજબ અમારી ભલામણ છે. નીતિ લાગુ કરવાથી ઉચ્ચતર પગાર ધોરણની નીતિ જે હાલ 12-24 લાગુ કરવામાં આવેલ છે તેમાં ફેરફાર કરી તા.1-1-16ના રોજ કે ત્યારબાદ નિમણૂંક પામેલ કર્મચારીઓ માટે રાજય સરકારમાં અમલીકૃત 10-20-30ની ઉચ્ચતર પગાર ધોરણ નીતિ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાગુ છે. તે લાગુ કરવી જરૂરી જણાય છે.
પાલિકમાં તાંત્રિક અને બિનતાંત્રિક વર્ગ-3 અને વર્ગ-4ની તમામ સંવર્ગોની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી તથા સરકારની રહેમ રાહે નીતિ હેઠળ તા.1-1-2016 કે ત્યારબાદ નિમણૂંક પામેલ ફિકસ પગારથી અજમાયશી ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓને રાજય સરકારના ધોરણે ઉચ્ચતર પગાર ધોરણનો 10-20-30નો લાભ આપવા નીતિ નક્કી કરવાની સત્તા મ્યુનિ. કમિશ્નરને સોંપવાના કામને સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે.