ગોંડલનાં ખડવંથલી ગામે પશુપાલકો ઝઘડો કરી 45 પશુ છોડાવી ગયા
વનવિભાગની પાંચ ફૂટ ઊંચી રક્ષણ દીવાલનો ભાગ તોડી રૂા.૨૧ હજારનું નુકસાન કર્યું,સાત શખ્સો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ
બનાવની વધુ વિગત મુજબ ગોંડલની ફોરેસ્ટ રેન્જ કચેરીમાં ફરજ બજાવતા સહદેવસિંહ જુવાનસિંહ ચુડાસમા અને તેની સાથેના અન્ય ત્રણ વ્યકિત વહેલી સવારે સરકારની માલિકીની ખડવંથલી વીડીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે વખતે વીડીમાં આશરે ૪૦થી ૪૫ પશુઓ ચરતા જોયા હતા. વળી આવી વાંરવાર ઘટનાઓ બનતા વીડીમાં નુકસાન થતું હોવાથી આ સ્ટાફે બધા પશુઓને ત્યાંથી હાંકી વનવિભાગે બનાવેલા કોલીથડ બેટાવડ રોડ પરના ઢોરના ડબ્બામાં પૂરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા દોરી જતાં હતા. આ વખતે રસ્તામાં ઢોરના માલિક છગન ટીંબા રાણીંગા, વજુ ટીંબા રાણીંગા, ઈન્દુ છગન, રાજુ છગન, શૈલેષ છગન અને એની સાથેના અજાણ્યા શખ્સોએ વનકર્મીઓને રોકી પૂછપરછ કરતા આ પશુઓને દંડનીય કાર્યવાહી કરવા ડબ્બે પૂરવા લઈ જઈએ છીએ એમ કહેતા બધા ઉશ્કેરાઈને ગાળો ભાંડવા લાગ્યા હતા અને સ્ટાફ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી.
આ શખ્સોએ વનવિભાગે વીડી રક્ષણ માટે બનાવેલી પ ફૂટ ઉંચી દીવાલ તોડીને નુકસાન કરતા આ તમામ સામે પોલીસમાં રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


