બહિયલમાં અથડામણ ઃ પથ્થરમારો, આગચંપી અને તોડફોડ
નવરાત્રિના તહેવારના સમયે ગામમાં અથડામણ થતાં જિલ્લાનો
પોલીસ કાફલો ખડકી દેવાયો
રહેણાંક વિસ્તારમાં૨૦૦થી વધુના ટોળાએ પથ્થરમારો કરીને
દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી ઃ પોલીસે ૬૦ જેટલાં શખ્સોની ધરપકડ કરી ઃ રાત્રીના
સમયે અથડામણના બનાવથી ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા બહિયલ ગામમાં લઘુમતિ સમાજના ટોળાએ ગઈકાલે રાત્રે નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરીને દુકાનોમાં તોડફોડ કરી વાહનોમાં આગ ચાપી હતી. એટલું જ નહીં અહીં મંદિરો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે ઘટના બાદ સ્થળ ઉપર પહોંચેલી પોલીસ ઉપર પણ હુમલો કરાયો હતો. હાલ આ અંગે ૮૩થી વધુ વ્યક્તિઓ ઉપર નામજોગ અને ૨૦૦થી વધુના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
દહેગામ તાલુકાના બહિયલ ગામે લઘુમતિ સમાજના ટોળા દ્વારા
ગઈકાલે રાત્રે નવરાત્રી દરમિયાન પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના
બહાર આવી છે. જે સંદર્ભે મળતી વિગતો પ્રમાણે ગઈકાલે રાત્રિના સમયે ગામમાં ગરબા શરૃ
થઈ ગયા હતા તે દરમિયાન હિંસક ટોળું હાથમાં હથિયારો અને પથ્થરો લઈને તૂટી પડયું
હતું અને પથ્થરમારો કરી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ ટોળા દ્વારા મકાનો
દુકાનો અને મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પાંચથી વધુ દુકાનોમાં તોડફોડ કરીને
લૂંટ ચલાવવામાં આવી હતી તો બારથી વધુ વાહનોના કાચ તોડવામાં આવ્યા હતા અને અન્ય
વાહનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી.
આ પરિસ્થિતિને કારણે વાતાવરણ તંગ થઈ ગયું હતું અને સ્થળ ઉપર
પોલીસ પહોંચી હતી જેના કારણે ટોળા દ્વારા પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો તો
આગ બુજાવવા માટે પહોંચેલા ફાયર બ્રિગેડના વાહનના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા.
જેના પગલે સ્થિતિ વણસતા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી સહિત
ગાંધીનગરથી એલસીબી, એસઓજીની
ટીમો દહેગામ દોડી ગઈ હતી અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો તો
તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની
ફરજ પડી હતી. બે અઢી કલાક સુધી ચાલેલા આ તોફાન બાદ પોલીસે સ્થિતિ ઉપર કાબુ મેળવી
લીધો હતો ત્યારે આ સંદર્ભે સૌનક સતિષભાઈ પટેલની ફરિયાદના આધારે ૮૩ જેટલા નામજોગ
આરોપી સામે તેમજ ૨૦૦થી વધુના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ
કરવામાં આવ્યો હતો.
જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, આ ગુનો દાખલ થયા
બાદ અત્યાર સુધીમાં ૬૦થી વધુ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજી વધુ
આરોપીઓને પકડવામાં આવશે. હાલ અન્ય આરોપીઓ ગામ છોડીને ફરાર થઈ ગયા છે જેમને શોધવા
માટે ટીમોને દોડતી કરી દેવામાં આવી છે અને હાલ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે.