સમા અને ક્રાઇમબ્રાન્ચ પોલીસની ટીમ ઉપર તસ્કર ત્રિપુટીનો તલવાર વડે જીવલેણ હુમલો
પોલીસના બે સહિત ત્રણ વાહનોને ટક્કર મારી નુકસાન પહોંચાડી બે વીજ થાંભલા તોડી નાખ્યા
પોલીસે હિંમતભેર એક તસ્કરને ઝડપી પાડ્યો ,અન્ય બે નાસી છૂટ્યા
સમા વિસ્તારની શક્તિ પાર્ક સોસાયટીમાં મળસ્કે તસ્કરો ત્રાટકતા પાડોશીની સતર્કતાથી સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ટીમના જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચતા તસ્કરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. તસ્કરોએ પોલીસકર્મીઓ પર તલવાર જેવા હથિયારો વડે હુમલાનો પ્રયાસ કરી, પોલીસના બે સહિત ત્રણ વાહનોને ટક્કર મારી નુકસાન પહોંચાડી, બે વીજ થાંભલા તોડી નાખી ભયનો માહોલ સર્જ્યો હતો. જો કે, પોલીસે હિંમતભેર એક તસ્કરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે નાસી છૂટતા તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગઈ તા.21 જૂનના રોજ વહેલી સવારે સમા પોલીસની વન મોબાઇલ વાનને પોલીસ કંટ્રોલ તરફથી વર્ધી મળી હતી કે, સમા વિસ્તારમાં સંજયનગરની બાજુમાં આવેલ શક્તિપાર્ક સોસાયટીના બંધ મકાન નં. 46 માં ચોર આવ્યા છે. જેથી સમા પોલીસની વન મોબાઇલ વાન સ્થળ પર પહોંચી હતી. આ સમયે ક્રાઈમ બ્રાન્ચના જવાનો પણ સ્થળ પર પહોંચ્યા હતા. અને મકાનને કોર્ડન કરતા તે મકાનમાંથી ત્રણ શખ્સો બહાર નીકળી પોલીસને જોતા નજીકમાં રહેલ તેઓની ઈકો કારમાંથી તલવાર , પાના -પકડ , ટોમી સહિતના ઓજાર વડે હુમલાનો પ્રયાસ કરી ઇકો કાર પોલીસ ઉપર ચડાવાનો પ્રયાસ કરતા પોલીસે તે કારને રોકવા માટે પોલીસની બંને ગાડીની આડાશ ઉભી કરી હતી. તેમ છતાં તસ્કરોએ પોતાની કાર દોડાવી પોલીસના બંને વાહનોને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ રસ્તામાં પાર્ક કરેલ અન્ય એક કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જો કે, પોલીસે હિંમત દાખવી તસ્કરોની કાર રોકવા પોલીસની બોલેરો ગાડી રસ્તા વચ્ચે ઉભી રાખી દેતા તસ્કરોએ પોતાની કાર એમજીવીસીએલના સિમેન્ટના થાંભલા સાથે અકસ્માત સર્જતા બે વીજ થાંભલા તૂટી ગયા હતા. અને કાર રોકાઈ જતા તસ્કરોએ ફરીથી તલવાર જેવા હથિયારથી પોલીસકર્મીઓ ઉપર જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી હતી. આ દરમ્યાન બે શખ્સો નાસી છૂટ્યા હતા. જ્યારે એક પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસની પૂછતાછમાં ઝડપાયેલ શખ્સ રણજીતસિંગ ઉર્ફે જીતસિંગ જનરેલસિંગ જૂની (સિકલીગર) ( રહે- રામનગર, આજવા રોડ) એ સ્થળ પરથી નાસી છૂટેલ શખ્સો ગુરુમુખસિંગ કલ્લુસિંગ બાવરી (રહે- સયાજીપુરા ગામ, આજવા રોડ) અને સુનિલસિંગ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંગ બાવરી (સિકલીગર)( રહે -સંતોષીનગર, ખોડીયાર નગર/ મૂળ રહે - દુમાડ ગામ) હોવાનું જણાવી ચોરી કરવાના ઇરાદે આવ્યા હોવાની કબુલાત કરી હતી. આ અંગે સમા પોલીસે આરોપીઓ વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટ તથા લોકસેવક ઉપર હુમલો, સરકારી તથા સાર્વજનિક મિલકતોને નુકસાન , બેદરકારીપૂર્વક વાહન હંકારવું સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિદેશમાં રહેતા બનેવીના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો વિરુદ્ધ સાળાની ફરિયાદ
ન્યુ સમા રોડની લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા શિવમ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, વિદેશમાં સ્થાયી થયેલ મારી બહેનના શક્તિ પાર્ક સોસાયટી ખાતેના મકાનની સાર સંભાળ અમે રાખીએ છીએ. તા.21 જૂનના રોજ વહેલી સવારે તે મકાનમાં તસ્કરો ઘૂસ્યા હોવાની જાણ થઈ હતી. જેથી પોલીસ કંટ્રોલને જાણ કરી સ્થળ પર પહોંચતા તસ્કરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયાનું જાણવા મળ્યું હતું. જ્યારે મકાન બંધ હોવાથી કોઈ કીમતી સામાનની ચોરી થઈ નથી. અને ચોરી કરવા આવેલ એક તસ્કર પોલીસના હાથે ઝડપાયો હતો જ્યારે અન્ય બે ફરાર થઈ ગયા હતા.