Gujarat

દહેગામમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઃ ૪૦૦ની અટકાયત

By GS TEAM
13 Mar 20262 mins read
દહેગામમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઃ ૪૦૦ની અટકાયત

મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનું બંધ કરાતાં વિરોધ ઃ દૂધ યુદ્ધે રાજકીય રંગ પકડતા સરકાર બેકફૂટ પર

વિધાનસભા કૂચના એલાને પગલે નહેરુ ચોકડીના તમામ રસ્તા પોલીસે સીલ કરી દીધા ઃ ટીંગાટોળી કરીને આગેવાનોને વાનમાં બેસાડયા ઃ બાયડ, રખિયાલ, કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગર તરફના તમામ હાઈવે પર બેરિકેડ્સ ગોઠવાયાં

ગાંધીનગર :  મધુર ડેરી દ્વારા દૂધ સ્વીકારવાનું બંધ કરાતા દહેગામના પશુપાલકોમાં ફાટી નીકળેલો રોષ આજે રસ્તા પર જોવા મળ્યો હતો. પશુપાલકોએ આજે શુક્રવારે જાહેર કરેલી 'વિધાનસભા કૂચ'ને નિષ્ફળ બનાવવા માટે સરકારે પૂરી તાકાત લગાવી દીધી હતી. વહેલી સવારથી જ દહેગામના નેહરુ ચોકડી સહિતના તમામ મુખ્ય માર્ગોને પોલીસે કોર્ડન કરી લીધા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો અને સેકડો પશુપાલક સંગઠનના આગેવાનો તથા દૂધ ઉત્પાદકોની અટકાયત કરી લીધી હતી. આ અટકાયતના સિલસિલા દરમિયાન પોલીસ અને દૂધ ઉત્પાદકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા.

પશુપાલકો પોતાના ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ ન કરે તે માટે પોલીસે બાયડ, રખિયાલ, કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગર તરફના તમામ હાઈવે પર મજબૂત બેરિકેડ્સ ગોઠવી દીધા હતા. આંદોલન શરૃ થાય તે પહેલા જ પોલીસે પશુપાલક સંગઠનના અગ્રણીઓની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન જ્યારે પશુપાલકોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ અને પશુપાલકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. પોલીસે પશુપાલકોને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડયા હતા, જેમાં મહિલા પશુપાલકો અને પોલીસ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

જોકે, પોલીસની આ રણનીતિને કારણે પશુપાલકો વિધાનસભા સુધી પહોંચી શક્યા ન હતા અને કૂચ ટેકનિકલી નિષ્ફળ રહી હતી. પરંતુ, પશુપાલકોનું મનોબળ જરાય તૂટયું નથી. અટકાયત બાદ મુક્ત થયેલા પશુપાલકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પોલીસના જોરે અમારો અવાજ દબાવી શકાય નહીં. તેમણે આગામી દિવસોમાં વધુ આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.રાજ્યમાં નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં દહેગામના હજારો પશુપાલકો અને ખેડૂતોની નારાજગી સરકારને રાજકીય રીતે ભારે પડી શકે તેમ છે. 'ડેમેજ કંટ્રોલ' કરવા છતાં ખેડૂતોનો રોષ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જો સરકાર વહેલી તકે પશુપાલકોના હિતમાં કોઈ મોટો નિર્ણય નહીં લે, તો આ આંદોલન ચૂંટણીના પરિણામો પર સીધી અસર કરી શકે છે. હાલમાં તો સરકાર ખેડૂતોની શરતો સામે ઝૂકવા મજબૂર બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.