કોર્પોરેશનની સંકલનમાં નેતાઓ તથા અધિકારીઓ વચ્ચે તડાફડી

કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે મ્યુ. કમિશનર મહેશ બાબુ સાથે સાંસદ, ધારાસભ્યની સંકલન બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ અને સમીક્ષા થઈ હતી. સંકલનમાં રજૂઆત બાદ પણ કાર્યવાહીમાં વિલંબ મામલે નેતાઓ તથા અધિકારીઓ વચ્ચે તડાફડી સર્જાઈ હતી.
સંકલનમાં સયાજીગંજના ધારાસભ્યએ ટીપી સ્કીમ અંતર્ગતના રસ્તાઓ ખોલવા, નવાયાર્ડથી છાણી સુધી 30 મીટરનો નવો રસ્તો તથા ગ્રામ પંચાયતોના ચાર વર્ષ જૂના બાકી બિલ સહિતના પ્રશ્નોના રિવ્યૂ મેળવ્યા હતા. શહેર વિધાનસભાના મહિલાધારાસભ્યની રજૂઆત થઈ હતી કે, વિધાનસભા ક્ષેત્રમાં એક વર્ષ અગાઉથી સ્વિમિંગ પૂલની માંગણી છતાં કોઈ વિગત નથી, હરણી વિસ્તારમાં લાઈટના ધાંધિયાથી લોકો પરેશાન હોય એક સબ સ્ટેશન ઊભું કરવું જોઈએ, ટ્રાફિકનું ભારણ ઘટાડવા એરપોર્ટની આસપાસ લીનીયર ગાર્ડનની સાઈઝ ઘટાડવી જોઈએ અને સર્કલ પાસે ડાબી તરફનું બસ સ્ટેન્ડ દૂર કરવું જોઈએ, એરપોર્ટ સર્કલ ખાતે અંડર પાસના સ્થાને અધિકારીઓ સંગમથી હરણી સુધીના ફ્લાય ઓવરબ્રીજની વાત કરે છે, ખરેખર ટ્રાફિક ડેન્સિટી ખોડીયાર નગરથી અમિત નગર તરફ હોય તો ફ્લાય ઓવર ત્યાં બનવો જોઈએ, હાઇવે ઉપર નડતરરૂપ 200 જેટલા દબાણો અંગે નોટિસ આપી છે પરંતુ આગળ કાર્યવાહી થઈ રહી નથી, અધિકારીઓ ઓફિસમાં ન બેસી રહે. માંજલપુરના ધારાસભ્યનું કહેવું હતું કે, વાર્ષિક ઇજારા મુદતમાં આવે અને સમય અનુસાર મંજુર કરવા જોઈએ જેથી વધુ નાણાં ચૂકવવાની નોબત ન આવે, જીઆઇડીસી રોડ ખાતેના દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવો જોઈએ, ડભોઇ ધારાસભ્યની રજૂઆત હતી કે, ભાયલી લિનિયર પાર્ક માટે સરકારે 50 કરોડની રકમ મંજૂર કરી હોવા છતાં કામગીરી આગળ વધી નથી, ભાયલીનું કૃત્રિમ તળાવ મોટું કરવું જોઈએ, 75 મીટર રીંગરોડ ને જોરદાર રસ્તાઓ ખુલ્લા કરવા જોઈએ. તેમજ વાઘોડિયાના ધારાસભ્યની રજૂઆત હતી કે, વેમાલી તથા ગંગાનગરના ઓજી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય વહેલી તકે નિરાકરણ લાવવું, રસ્તાઓના ખોદકામ બાદ આડેધડ પુરાણથી અનેક સમસ્યાઓ ઊભી થાય છે, આજવા સરોવરની આસપાસના ગામોમાં પાણી આપવાની વ્યવસ્થા કરવી, આતાપી પાર્કમાં સ્થાનિકોને મફત એન્ટ્રી તેમજ ગૌરી વ્રતમાં માતા દીકરીઓને વિનામૂલ્યે એન્ટ્રી આપવા જણાવ્યું છે.








