વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એબીવીપી દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાઈડ બોલ આપવા બાબતે બંને ટીમના ખેલાડીઓ એક બીજા સાથે બાખડી પડતા ઉત્તેજનાપૂર્ણ દ્રશ્યો સર્જાયા હતા.વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડિયો પણ વાયરલ થયો હતો.
મળતી વિગતો પ્રમાણે ડી એન હોલ ક્રિકેટ મેદાન ખાતે આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે.જેમાં આજે વિદ્યાર્થીઓની બે ટીમો આમને સામને હતી.એક ટીમને જીતવા માટે ૩ બોલમાં ૧૫ રન જોઈતા હતા અને તે સમયે બોલરના બોલને વાઈડ આપવામાં આવતા ફિલ્ડિંગ કરનારી ટીમના ખેલાડીઓ ઉશ્કેરાયા હતા.
જેના પગલે બેટિંગ કરનારી ટીમના ખેલાડીઓ મેદાનમાં ધસી આવ્યા હતા અને જોત જોતામાં બંને ટીમો વચ્ચે ઘમાસાણ મચી ગઈ હતી.માંડ- માંડ બંને ટીમના ખેલાડીઓને છૂટા પાડવામાં આવ્યા હતા.એ પછી આ બંને ટીમોને ટુર્નામેન્ટમાંથી ડિસક્વોલિફાય કરી દેવામાં આવી હતી.


