Gujarat

જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગઈ રાત્રે બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ ધીંગાણું

By GS TEAM
30 Jul 20252 mins read
TukuTouch Logo
બંને પક્ષે સામ સામે હુમલા કરાતાં સાત વ્યક્તિઓ ઘાયલ : સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગઈ રાત્રે બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ ધીંગાણું

Jamnagar Crime : જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રે એઠવાડ ફેંકવા જેવી સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી, અને બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. અને સામ સામાં હુમલા કરાયા હતા, જેમાં બંને પક્ષની સાત વ્યક્તિઓ ઘાયલ થઈ છે. જે મામલે બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

 આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઇન્દિરા કોલોનીમાં રહેતા ગૌતમ કરસનભાઈ બાવરફાડ નામના 38 વર્ષના યુવાનને તેના પાડોશમાં જ રહેતા રાહુલભાઈ શેખવાના પરિવાર સાથે ચાર દિવસ પહેલા એઠવાડ ફેંકવાના પ્રશ્ને બોલાચાલી થઈ હતી, અને તેનું મન દુઃખ ચાલતું હતું.

 દરમિયાન ગઈકાલે રાત્રે આ પ્રશ્ને બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, અને સામ સામે હુમલા થતાં ભારે દોડધામ થઈ હતી, અને બંને પક્ષના મળી સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બની ગયા હતા, અને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

 આ બનાવની જાણ થતાં સીટી સી.ડિવિઝનનો પોલીસ કાફલો સૌપ્રથમ બનાવના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો. ત્યાં પણ પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો.

 પોલીસ દ્વારા ગૌતમ કરસનભાઈ બાવરફાડની ફરિયાદના આધારે તેના ઉપર અને તેના ભાઈ દિનેશ અને જગદીશ ઉપર હુમલો કરીએ ઈજા પહોંચાડવા અંગે પાડોશી રાહુલ અમરશીભાઈ શેખવા, અમરશીભાઈ ભલાભાઇ શેખવા, અને સંજનાબેન અમરસિંહભાઈ શેખવા સામે ફરિયાદ નોંધાવી છે.

 આ ઉપરાંત સામા પક્ષે રાહુલ અમરશીભાઈ શેખવાએ પોતાના ઉપર તેમજ પોતાના માતા પિતા અને બહેન ઉપર છરી અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા ગૌતમ કરસનભાઈ બાવરફાડ, દિનેશ કરસનભાઈ બાવરફાડ, હસમુખ ઉર્ફે અશોક કરસનભાઈ બાવરફાડ અને મીનાબેન બાવરફાડ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સામ સામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.