દંતેશ્વરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થતા નાસભાગ
કેટલાક લોકોના હાથમાં ચપ્પુ હતા : બે વ્યક્તિઓને ઇજા થતા હોસ્પિટલમાં દાખલ
વડોદરા,રાતે દંતેશ્વરમાં સામ સામે પથ્થરમારો કરી મારામારી કરનાર ૧૨ લોકો સામે તેમજ ડી.જે.ના સંચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
દંતેશ્વરમાં સ્વામિ નારાયણ મંદિરની સામે રોડ પર રાઠોડ વાસમાં કેટલાક લોકો ઝઘડો કરી રહ્યા છે. બે થી ત્રણ લોકોને ઇજા પહોંચી હોઇ એમ્બ્યુલન્સ બોલાવી છે. આ વિગતની જાણ મકરપુરા પોલીસને થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ પહોંચતા જ ટોળું વિખેરાઇ ગયું હતું. સ્થળ પર હાજર લોકોથી જાણવા મળ્યું હતું કે, કેટલાક લોકોના હાથમાં ચપ્પુ હતું. આ ઘટના સમયે રોડ પર મોટા અવાજથી ડી.જે. વાગતુ હતું.પોલીસે ડી.જે. બંધ કરાવી સંચાલકનું નામ પૂછી તેને સ્થળ પરથી રવાના કર્યો હતો. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ડી.જે. વાગતું હોઇ તે દરમિયાન બંને પક્ષના લોકો પર પથ્થરો પડતા ઝઘડો થયો હતો. આ ઝઘડામાં દેવરાજ સંતોષભાઇ સરાણીયાને તથા જયદીપ મહેશભાઇ રાઠવાને માથામાં ઇજા પહોંચી હતી. પોલીસે (૧) કરણ ઉર્ફે કાલી (૨) ધનંજય ઉર્ફે ટલ્લી (૩) દેવરાજ (૪) જયદિપ (૫) યોગેશ (૬) ગણપતભાઇ મળી કુલ ૧૨ લોકો તથા ડી.જે.ના માલિક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.