Gujarat

સાયન્સ ફેકલ્ટીમાં સિક્યુરિટી જવાન અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી

By GS TEAM
8 Oct 20252 mins read
સાયન્સ ફેકલ્ટીમાં સિક્યુરિટી જવાન અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં મેન ગેટ ખોલવાના મુદ્દે વિદ્યાર્થીઓ અને  સિક્યુરિટી વચ્ચે થયેલા ઘર્ષણમાં એક સિક્યુરિટી જવાનને પગમાં ઈજા થઈ હતી અને ભારે હોબાળો મચી ગયો હતો.

સાયન્સ ફેકલ્ટીના મેન ગેટથી અંદર વાહન લઈ જવા પર પ્રતિબંધ છે.ફેકલ્ટીના ડીન સહિતના કેટલાક સિનિયર અધ્યાપકોને જ અંદર વાહન લઈ જવા માટે છૂટ મળેલી છે.આજે પ્રોફેસરની કારને અંદર જવા દેવા માટે સિક્યુરિટી જવાને દરવાજો ખોલ્યો ત્યારે તેની પાછળ આવેલા અને એબીવીપી સાથે સંકળાયેલા એક  વિદ્યાર્થીએ પણ પોતાના વાહન સાથે ફેકલ્ટીમાં જવા માટે આગ્રહ રાખ્યો હતો.જોકે સિક્યુરિટી જવાને વાહન અંદર નહીં લઈ જવાય તેમ કહીને દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો.આ દરમિયાન વિદ્યાર્થીની મદદમાં બીજા વિદ્યાર્થીઓ આવ્યા હતા.તેમની અને સિક્યુરિટી વચ્ચે ઝપાઝપી થઈ હતી અને આ દરમિયાન દરવાજો  સિક્યુરિટી જવાનના પગમાં વાગ્યો હતો.

એ પછી સમગ્ર મામલો ડીન પાસે પણ પહોંચ્યો હતો.આજની ઘટના બાદ ચર્ચા શરુ થઈ હતી કે, કેમ્પસમાં સિક્યુરિટી જવાનો જ સુરક્ષિત ના હોય તો કેમ્પસની સુરક્ષા કેવી રીતે થશે?

વાહન અંદર જવા દેવામાં  વહાલા દવલાની નીતિ

દરમિયાન એબીવીપી સાથે સંકળાયેલા સાયન્સ ફેકલ્ટીના એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, સિક્યુરિટી દ્વારા વાહન અંદર લઈ જવા દેવામાં વહાલા દવલાની નીતિ અપનાવાય છે.અમે છેલ્લા દોઢ વર્ષથી આ મુદ્દે લડત આપી રહ્યા છે.આજે પણ આ જ બાબતે ઝઘડો થયો હતો.જે જવાનને ઈજા થઈ છે તેની  વિદ્યાર્થીએ માફી પણ માગી છે અને સિક્યુરિટી જવાન સાથે સમાધાન પણ થઈ ગયું છે.